New Delhi,તા.18
દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સામે હવે કોંગ્રેસ પક્ષે મોરચો માંડયો છે અને ગઈકાલે શ્રી શાહે આ વર્ષોના જવાબ આપતા કોંગ્રેસ પર પ્રહાર સમયે બાબાસાહેબ આંબેડકર અંગે અપમાનજનક વિધાનો કર્યા હોવાનો આરોપ મુકે છે તેના પર ચર્ચાની માંગણી કરતી સભા મોકુફીની નોટીસ ફટકારી છે.
શ્રી અમિત શાહે રાજયસભામાં કોંગ્રેસ પર જબરો હુમલો કર્યો હતો. તેમાં શ્રી શાહે ડો. આંબેડકરના બંધારણની રચનાના એક ખૂબજ મહત્વપૂર્ણ કામમાં તેમની ભૂમિકાને અવગણના કરવા જેવા વિધાના કર્યાનો આરોપ કોંગ્રેસના સાંસદ માનિકમ ટાગોરે કરીને આ નોટીસ ફટકારી છે.
કોંગ્રેસ પક્ષે શ્રી શાહના ભાષણનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં શ્રી શાહને એવું કહેતા દર્શાવાયો છે કે, આંબેડકર-આંબેડકર બોલવું એક ફેશન થઈ ગઈ છે. જો આટલું નામ ભગવાનનું લેવાય તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી શકે.
આ અંગે કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો કે, ભાજપ અને સંઘ દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કેવી નફરત કરે છે તે દર્શાવી આપ્યુ છે. રાહુલ ગાંધીએ લોકસભામાં ભાજપ મનુસ્મૃતિમાં વિશ્વાસ કરે છે અને આંબેડકરની અવગણના કરે છે અને તેની સાથે અસહમત હશે તેવું પણ જણાવ્યું હતું.
કોંગ્રેસના જયરામ રમેશે એક પોષ્ટમાં લખ્યુ કે, અમિત શાહે ડો.બાબાસાહેબ આંબેડકર અંગે ઘણી ધૃણીત વાત કરી છે અને હવે બાબાસાહેબ સામે સફરત એટલી કરે છે કે તેનું નામ આવતા જ ચીડાય જાય છે અને આ એજ લોકો છે જેના પુર્વે તો ડો. આંબેડકરનુ પુતળુ સળગાવતા હતા અને તેઓ સંવિધાન બદલવાની વાત કરતા હતા તેને જનતાએ બોધપાઠ શિખવાડી દીધા છે.
શું કહ્યું હતું અમિત શાહે!
શ્રી અમીત શાહે કોંગ્રેસ પર સતત ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ લેવા પર પ્રહાર કરતા કહ્યું તમો (કોંગ્રેસ) આંબેડકર – આંબેડકર કરો છો જો આટલું નામ ભગવાનનું લો તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જશે.