ટ્રમ્પની ડિનર પાર્ટીમાં Nita Ambaniની સાડીની ચર્ચા

Share:

અમેરિકન પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા અમેરિકામાં એક પ્રાયવેટ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે દુનિયાભરના નેતાઓ વોશિંગ્ટન પહોંચી રહ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ડિનરમાં જોવા મળ્યા હતા. હંમેશા પોતાના ટ્રેડિશનલ લૂકથી લોકોનું દિલ જીતી લેતા નીતા અંબાણી બ્લેક કલરની સિલ્કની સાડી અને સુંદર જ્વેલરીમાં જોવા મળ્યાં હતાં. હાલ સોશિયલ મીડિયામાં પણ તેની ભારે ચર્ચા થઈ રહી છે. 

કાંચીપુરમ સાડીમાં 100થી વધુ આધ્યાત્મિક રચના

આ ડિનર પાર્ટી પ્રસંગે નીતા અંબાણીએ સ્વદેશ બ્રાન્ડની કાંચીપુરમ સાડી પહેરી હતી. જેમાં ગોલ્ડન-સિલ્વર વર્ટિકલ લાઇન્સ હતી. તેમજ પિંક બોર્ડર સાડીને એક વાયબ્રન્ટ ટચ આપી રહી હતી. આ સાડીમાં કાંચીપુરમના ભવ્ય મંદિરોથી પ્રેરિત 100થી વધુ આધ્યાત્મિક અને ઐતિહાસિક પ્રતીકોને સામેલ કરવા ઊંડું સંશોધન કરીને તેનો સમાવેશ કરાયો હતો. આ સાડી સાથે તેમણે બ્લેક કલરનો ફૂલ સ્લીવ્ઝ વેલ્વેટ બ્લાઉઝ પહેર્યો હતો. બ્લેક સિલ્ક સાડી સાથે નીતા અંબાણીએ પહેરેલા 18મી સદીના પરંપરાગત ભારતીય ઘરેણાંએ ચાર ચાંદ લગાવી દીધા હતા. એ જોઈને લાગતું હતું કે જાણે તેઓ ભારતનો આત્મા વૈશ્વિક મંચ પર લઈ ગયાં હતાં. 

નીતા અંબાણીની જરૂરિયાત પ્રમાણે આ સાડી નેશનલ ઍવૉર્ડ વિનર આર્ટિસ્ટ બી. ક્રિશ્નામૂર્તિએ ડિઝાઇન કરી હતી. આ સાડી ડિઝાઇન કરવા તેમણે ખૂબ જ સમજદારીથી કેટલીક રચનાઓ પસંદ કરી હતી. જેમ કે, ઈરુથલાઈપક્ષી (ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરતું બે માથા ધરાવતું બાજ), અમરત્વ અને દિવ્યતાના પ્રતીકસમું મયિલ તેમજ પૌરાણિક પ્રાણીઓની કેડી સોર્ગાવસલ (જે ભારતની સમૃદ્ધ લોકકથાઓની વાત કરે છે). 

આ સાડીને મોડર્ન લૂક આપવા નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો બિલ્ડ-અપ નેકલાઇન વેલ્વેટ બ્લાઉઝ પહેર્યો હતો, જેની સ્લિવ્સમાં સુંદર મણકાકામ પણ કરાયું હતું. આનાથી ઉત્તમ ટાઇમલેસ સોફિસ્ટિકેશન શું હોઈ શકે!

200 વર્ષ જૂનો સુંદર નેકલેસ પહેર્યો

આ માસ્ટરપીસ સાથે તેમણે દક્ષિણ ભારતમાં બનેલું 200 વર્ષ જૂનું પોપટના આકારનું પેન્ડન્ટ પણ પહેર્યું હતું. આ પેન્ડન્ટને લાલ-લીલા રંગના મણકા સાથે કુંદન ટેકનિકથી નીલમણિ, માણેક તેમજ હીરા-મોતીને સોનામાં જડવામાં આવ્યા હતા. આ યુનિક કોમ્બિનેશન થકી નીતા અંબાણીએ ભારતની ભવ્ય પરંપરાને વધાવવાની સાથે આપણા કલાકારોનું સન્માન કર્યું હતું. એટલું જ નહીં, આ રીતે તેઓ ફરી એકવાર આપણી ભવ્ય કારીગરીને વૈશ્વિક મંચ પર લઈ ગયા હતા. આ સાથે જ તેમણે નેકલેસ સાથે મેચ કરતી વીંટી અને બુટ્ટી પણ પહેરી હતી. આ સિવાય ઘણી તસવીરોમાં તેમણે કાળા રંગનો કોટ પહેર્યો હતો જે ખૂબ જ સુંદર લાગે છે, જેના પર ફર વર્ક પણ છે.

આ સાથે જ નીતા અંબાણીએ વિન્ગ્ડ આઇલાઇનર, બ્લશ, આઇશેડો, ન્યુડ લિપ શેડ સાથે મિનિમલ મેકઅપ પણ કર્યો અને બન હેરસ્ટાઇલ સાથે લૂક પૂર્ણ કર્યો હતો. જ્યારે મુકેશ અંબાણીની વાત કરીએ તો તેમણે બ્લેક બ્લેઝર, મેચિંગ ટ્રાઉઝર, સફેદ શર્ટ અને ડાર્ક કલરની ટાઈ પહેરી હતી. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *