સંપત્તિ હોય તે ભાગ્યશાળી છે પરંતુ જે શ્રીમદ ભાગવતકથાનું આયોજન કરે છે તે મહાભાગ્યશાળી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ વકતા સ્વંય નારાયણ છે,તેમને ચતુઃશ્ર્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું હતું, બ્રહ્માજીએ નારદમુનિને,નારદે વેદવ્યાસને અને વેદવ્યાસે ચતુઃશ્ર્લોકી ભાગવતનો વિસ્તાર કરીને અઢાર હજાર શ્ર્લોકમાં રચના કરી શુકદેવજીને આપ્યું અને શુકદેવજીએ આ ભાગવત ગંગા નદીના કિનારે રાજા પરીક્ષિતને સંભળાવ્યું હતું.ભાગવતની કથાથી ભક્તિ પૃષ્ટ થાય છે.જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે. ભાગવતએ ભવરોગની દવા છે.જીવને ભગવાનનો વિયોગ એ મોટામાં મોટો રોગ છે.પરમાત્માના દર્શન કરવાથી માનવજન્મ સફળ થાય છે.મનુષ્યજન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.બુદ્ધિનો સદઉપયોગ કરી વિવેક અને સંયમથી પવિત્ર જીવન ગાળે તો પરમાત્માના દર્શન થાય છે.કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અને અવિદ્યા..મનના આ સાત રોગ છોડો તો મુક્તિ મળે.કોઇના શરીરને કે રૂપને ના જોશો.દેહ દર્શન થાય ત્યાંસુધી દેવ દર્શન થતા નથી.જ્ઞાની-અજ્ઞાની બધાનું મન બગડે છે એટલે પાપ થાય છે અને શાંતિ મળતી નથી.જીવ ઇશ્વરનું સ્વરૂપ છે,શરીરના આવરણના લીધે ચૈતન્ય ગુપ્ત છે.જે સર્વમાં પરમાત્માના દર્શન કરી શકતો નથી તેને પરમાત્માના દર્શન થતાં નથી.
જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ મંગલમય બને છે.અંત સમયે જે ગભરામણ થાય છે તે કાળની નહી પરંતુ કરેલા પાપ કર્મોની યાદથી થાય છે.હું ભગવાનનો અંશ છું,મારા તમામ કર્મો પ્રભુ જોઇ રહ્યા છે તેવું સ્મરણ પાપથી બચાવે છે.જ્યારે જન્મ થયો ત્યારે જ મૃત્યુનો સમય,સ્થળ અને કારણ નક્કી થયેલું છે.મૃત્યુ એટલે પરમાત્માને હિસાબ આપવાનો પવિત્ર દિવસ.મરણને સુધારવું હોય તો પ્રતિક્ષણ સુધારજો.પ્રેમ વિના વૈરાગ્ય આવતો નથી,વૈરાગ્ય ના હોય તો ભક્તિ વાસનાના વેગમાં વહી જાય છે તેથી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની જરૂર છે.વિષય-વિકાર,પત્ની પુત્ર ઘર અને ધનની આસક્તિ છુટે તો મુક્તિ મળે છે.ઇશ્વર સાથે તન્મય થાય તેને આનંદ મળે છે.શરીરને ગમે તેટલું સાચવો તે બગડવાનું જ છે. તન અને ધનને સાચવે તે સંન્યાસી અને મનને સાચવે તે સંત.શું કરવું અને શું ના કરવું તે મનને નહી શાસ્ત્રને પુછો.આચાર-વિચાર શુદ્ધ હોય તો ભક્તિ થાય,મનની શુદ્ધિ થાય છે.
સત્ય પરમાત્માનું સ્વરૂપ છે.અસત્ય બોલનારને પાપ લાગે છે,પુણ્યનો ક્ષય થાય છે.મિતભાષી થશો તો સત્યભાષી થશો.આંખ અને કાનથી જ પાપ થાય છે તે શુદ્ધ હશે તો જ ભક્તિ આવશે.ગમે તેવો પાપી હોય પણ ભાગવતકથા પ્રેમથી સાંભળે તો પાપનો નાશ થાય છે.ઇશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની વિશ્વાસથી સુમિરણ કરવું.બુદ્ધિ પારકી પંચાત કરે છે,તેનો પતિ આત્મા છે,તેને સત્સંગ મળે તો વિવેક આવે છે.પાંચ વિષયોનો દાસ બને તેને અંતકાળે વિષયો મારે છે.આ શરીર હાડ માંસ લોહીનો પિંડ છે,સંસારના સબંધોમાંથી મમતા હટાવી ભક્તિમાં લાગી જવાથી કલ્યાણ છે.પારકાનું ધન હરણ કરવાની ઇચ્છા રાખે તે દુર્યોધન,પરસ્ત્રીને કામભાવે જુવે તે રાવણ.મનુષ્ય પાપ કરે છે ત્યારે હસે છે અને પાપની સજા ભોગવવાનો સમય આવે ત્યારે રડે છે.પતિ-પત્નીમાં,પિતા-પૂત્રમાં,ધંધા અને ધનમાં,કુટુંબ,ઘર અને ગામમાં આસક્તિ વિવેકથી છોડવાની છે.
સો કામ છોડી ભજન કરો,હજાર કામ છોડી સ્નાન કરો,લાખ કામ છોડી દાન કરો અને કરોડ કામ છોડી સેવા-સુમિરણ-સત્સંગ કરો.પ્રેય(થોડો સમય પ્રિય લાગે પછી અણગમો થાય)ને છોડી શ્રેય(જે વિષય કાયમ પ્રિય લાગે)ને પકડો.અતિ સંપત્તિ વધે એટલે માણસ પ્રમાદી થાય,તેનામાં વિકાર-વાસના વધે. પરમાત્માના દર્શનની આતુરતા વિના સંત મળતા નથી.પ્રભુકૃપા કરે તો સંત મળે છે.સ્વાદ ભોજનમાં નહી પણ ભૂખમાં છે,મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે ત્યાં સુધી સંત મળે તો પણ સંતમાં સદભાવ થતો નથી એનું કારણ જીવને ભગવદ દર્શનની ઇચ્છા જ થતી નથી.પરમાત્મા સાથે પ્રેમ કરવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો પડશે.હિરણ્યાક્ષ એટલે સંગ્રહવૃત્તિનો લોભ અને હિરણ્યકશિપુ એટલે ભોગવૃત્તિનો લોભ.લોભ વધે એટલે ભોગ વધે,ભોગ વધે એટલે પાપ વધે છે.લોભને જીતવો મુશ્કેલ જ નહી દુષ્કર છે.જ્ઞાનને બુદ્ધિમાં ટકાવવું હોય તો લોભ-પાપ અને અજ્ઞાન દૂર કરવાં પડે.
દારૂ અને દારામાં ફસાય છે તે જીવનના સાચા અમૃતથી વંચિત રહી જાય છે.ભોગો ભોગવવાથી તૃપ્તિં થતી નથી,ભોગોના ત્યાગથી જ શાંતિ મળે છે.મુક્તિનું ફળ મેળવવા ભક્તિ કરનારાઓને લૌકિક સુખની કામના ના કરવી.મનુષ્યનું જીવન અતિ વિલાસી બન્યું તેથી જ્ઞાનમાર્ગથી જીવ ઇશ્વર પાસે જઇ શકતો નથી.લૌકીક સબંધનું સ્મરણ છે ત્યાં સુધી ઇશ્વરમાં આસક્તિ થતી નથી.જન્મથી કોઇ ખરાબ હોતું નથી કુસંગથી જ માણસ બગડે છે.મરણની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે.મનને ખુબ ૫વિત્ર રાખીએ કારણ કે મન તો મર્યા ૫છી ૫ણ સાથે આવવાનું છે.જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનો કામ તમારા મનમાં આવશે.જ્યારે ધ્યાન કરતાં મન ચંચળ બને ત્યારે ૫રમાત્માના નામનું વારંવાર સુમિરણ કરો. ૫રમાત્માનો પ્રેમ મેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો ૫ડશે.જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણી બધી નાની-મોટી બધી સામગ્રીઓ વડે પરમાત્માનું પૂજન કરે છે તો પણ તેનાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી.
રોગથી બચવા યોગનો સહારો લો.સ્ત્રી લક્ષ્મી સમાન સુખ આ૫નારી,શારદા જેવી જ્ઞાનધારી અને દુષ્ટોનો નાશ કરવાના સમયે કાલિકા બની શકે છે.આમ સ્ત્રીઓમાં લક્ષ્મી શારદા અને કાલિકાની શક્તિઓ મૌજૂદ છે.જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન-વાણી અને શરીરથી પાપ કરે છે,બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ છે તેઓ પણ કળિયુગમાં ભાગવતકથામૃતથી પવિત્ર બને છે.ગોકર્ણ ઉપાખ્યાન ના માધ્યમથી કહ્યું હતું કે..આ સંસાર અસાર અને અત્યંત દુઃખરૂપ અને મોહમાં રાખનારો છે.કોનો પુત્ર અને કોનું ધન? કોણ પત્ની અને કોણ પતિ? ચક્રવર્તી રાજાને પણ સુખ હોતું નથી.સુખી તો એ છે કે જે આ સંસારના પ્રત્યે વિરક્ત છે,જેણે પોતાના મોહને છોડી દીધો છે માટે પોતાના અજ્ઞાનથી મુક્ત થાવ.આ શરીર તો નાશવંત છે,હાડ-માંસ અને લોહીનો પિંડ છે જ્યારે આત્મા અજર અમર છે જેને કોઈના પ્રત્યે મોહ કે રોષ નથી.આ સંસારને ક્ષણભંગુર જુઓ અને સર્વ પ્રકારના લૌકીક ધર્મોથી મુક્ત થાવ.
જેમ અગ્નિ ભીનાં-સૂકાં,નાના-મોટાં તમામ પ્રકારનાં લાકડાંને બાળી નાખે છે તેવી જ રીતે ભાગવત કથા મન-વચન અને કર્મ વડે કરેલાં નવાં-જૂનાં,નાના-મોટાં બધી જ જાતનાં પાપોને ભસ્મ કરી નાખે છે. ગોકર્ણ ઉપાખ્યાન ફક્ત વાર્તા નથી તેનું રહસ્ય સમજવા જેવું છે.તુંગભદ્રા નદી એ માનવ શરીર છે. ભદ્રમ્ એટલે કલ્યાણ.માનવ શરીર દ્વારા કલ્યાણ સાધી શકાય છે.આત્મદેવ તે જીવાત્મા છે.ધુંધુલી એ બુદ્ધિ છે.બુદ્ધિ સ્થિર રહેતી નથી.કુટિલ તર્ક-વિતર્ક કર્યા કરે છે.પારકી પંચાત પણ બહુ કરે છે.બુદ્ધિ સાથે આત્માના લગ્ન થાય છે.બુદ્ધિની બહેન છે મન.મન સ્વાર્થી છે.મન અને બુદ્ધિની ખટપટ આત્મા સમજી શકતો નથી એટલે દુઃખી થાય છે.
સત્સંગથી ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી.મન અને બુદ્ધિ જયારે ભગવાનનો આશ્રય લે ત્યારે તે સુધરશે. ધુંધુકારી એટલે જે આખો સમય દ્રવ્ય-સુખ અને કામસુખની કામના કર્યા કરે,જેનાં જીવનમાં ધર્મપ્રધાન નથી પણ કામસુખ,દ્રવ્યસુખ મુખ્ય છે.મોટો થતાં ધુંધુકારી પાંચ વેશ્યાઓ શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ આ પાંચમાં ફસાય છે.ધુંધુકારી પોલા વાંસમાં ભરાઈને બેઠો હતો.આ વાંસ એટલે વાસના.મનુષ્યને અનેક જાતની વાસનાઓ સંસારમાં બાંધી રાખે છે.તેમાં સાત મુખ્ય છે:પતિ-પત્ની,સંતાન,કુટુંબ,સંપત્તિ,ઘર, વ્યવહાર અને વતનની.શાસ્ત્રોમાં આવી જ સાત ગાંઠો બતાવી છે:કામ ક્રોધ મોહ મદ મત્સર અને અજ્ઞાન આ ગાંઠોનું બંધન તૂટે તો જ મોક્ષ મળે
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)