Washington,તા.૨૮
એલોન મસ્કે વચન આપ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો યુએસ ફેડરલ બજેટમાં બે ટ્રિલિયન ડોલરનો ઘટાડો કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી સામાન્ય લોકોને ફાયદો થશે અને તેમના પર લાદવામાં આવતા ટેક્સમાં ઘટાડો થશે. ઇલોન મસ્ક ન્યૂયોર્કમાં યોજાયેલી ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં સામેલ થયા હતા. આ સમય દરમિયાન મસ્કે બજેટમાં કાપ મૂકવાનું મોટું વચન આપ્યું હતું.
ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આયોજિત રેલી દરમિયાન પોતાના સંબોધનમાં મસ્કે કહ્યું હતું કે ’તમારા પૈસા વેડફાઈ રહ્યા છે. અમે તમારા પર સરકારનો બોજ ઓછો કરીશું અને લોકોના બજેટમાંથી ટેક્સનો બોજ પણ ઓછો કરીશું. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે જો તેમની સરકાર બનશે તો સરકારી ખર્ચમાં કાપ મુકવામાં આવશે અને તેના માટે ’ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ નામનો વિભાગ બનાવવામાં આવશે. ટ્રમ્પે એલોન મસ્કને આ વિભાગના વડા બનાવવાની જાહેરાત કરી છે. આ કારણે જ ઈલોન મસ્ક ખર્ચમાં કાપ મૂકવા જેવા મોટા વચનો પણ આપી રહ્યા છે. ન્યૂયોર્કની રેલી દરમિયાન, મસ્કને પૂછવામાં આવ્યું હતું કે તે ફેડરલ બજેટમાં કેટલો ઘટાડો કરી શકે છે, જેના પર મસ્કએ લગભગ બે ટ્રિલિયન ડોલર કહ્યું.
ઈલોન મસ્કએ બજેટમાં મોટા કાપની જાહેરાત કરી છે, પરંતુ ટીકાકારોનું કહેવું છે કે આ જાહેરાતથી ખુદ મસ્કને નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં, એલોન મસ્કની કંપનીઓ ટેસ્લા ઇન્ક. અને સ્પેસએક્સ એ કંપનીઓમાં સામેલ છે જેને યુએસ સરકાર દ્વારા ફેડરલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત યુએસ સરકાર આ કંપનીઓને કરોડો ડોલરની સહાય પૂરી પાડે છે. હવે જ્યારે મસ્કે બજેટમાં બે ટ્રિલિયન ડૉલરના કાપની જાહેરાત કરી છે, તો તેનાથી કંપનીઓને મળતા સરકારી ભંડોળ પર પણ અસર પડી શકે છે. નોંધનીય છે કે અમેરિકાનું વાર્ષિક બજેટ લગભગ ૬.૭૫ ટ્રિલિયન ડોલર છે અને મસ્કે તેના બજેટના બે તૃતીયાંશ એટલે કે લગભગ ૨ ટ્રિલિયન ડોલર કાપવાની મોટી જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સંબોધનમાં અનેક કલ્યાણકારી કાર્યક્રમો શરૂ કરીને સામાન્ય જનતાને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો સરકાર બજેટમાં મોટો કાપ મૂકશે તો તેનાથી ખાધ વધશે.