New Delhi,તા.09
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે તે વનડે અને ટેસ્ટની સાથે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. આ દરમિયાન જાડેજાએ સત્તાવાર રીતે ભાજપનું સભ્યપદ લીધું છે. તેની પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. રિવાબાએ મેમ્બરશિપ કાર્ડ સાથેનો રવિન્દ્ર જાડેજાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોકે, આજે અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેણે સંન્યાસ લેતાં પહેલાં જ રાજકીય પાર્ટી સાથે હાથ મિલાવી દીધો હતો.
મોહમ્મદ કૈફ
![]() |
ભારતીય ટીમના સૌથી શાનદાર ફિલ્ડરોમાંથી એક ગણાતા મોહમ્મદ કૈફ લોકસભા ચૂંટણી લડી ચુક્યો છે. તેને 2014 ની ચૂંટણીમાં કોંગ્રેસે ફૂલપૂરથી ટિકિટ આપી હતી. કૈફ તે સમયે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો હતો. ચૂંટણીમાં કૈફને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ત્યારથી કૈફે રાજકારણ પણ છોડી દીધું છે.
બજરંગ પુનિયા
રેસલર બજરંગ પુનિયાએ પણ રાજકરણમાં ઝંપલાવ્યું છે. તે કોંગ્રેસ પાર્ટીનો ભાગ બની ચુક્યો છે. પુનિયા સાથે વિનેશ ફોગાટે પણ પાર્ટીનું સભ્યપદ લીધું છે. વિનેશ કુશ્તીમાંથી સંન્યાસ લઈ ચુકી છે, પરંતુ બજરંગે હજુ સુધી સંન્યાસની કોઈ જાહેરાત નથી કરી.
મંસૂર અલી ખાન પટૌદી
મંસૂર અલી ખાન પટૌદી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચુક્યો છે. પટૌદીએ 1971માં વિશાલ હરિયાણા પાર્ટીની ટિકિટ પર ગુડગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પટૌદીએ ભારત માટે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 1975 માં રમી હતી.
મનોજ તિવારી
મિડલ ઓર્ડર બેટર મનોજ તિવારી ભારતનો સૌથી અનલકી ક્રિકેટર હતો. વનડેમાં સદી લગાવ્યા બાદ પણ તેને પ્લેઇંગ ઈલેવનમાં જગ્યા નહતી મળી. 2021 માં તે મમતા બેનર્જીની પાર્ટી TMC સાથે જોડાયો. વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરીને મંત્રી પદ પણ મેળવ્યું. 2023 માં તેણે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
સાયના નેહવાલ
સાઇના નેહવાલ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પહેલી બેડમિન્ટન ખેલાડી છે. સાયનાએ હજુ સુધી રમતમાંથી સંન્યાસ નથી લીધો. થોડા સમયથી તે ઈજાના કારણે કોર્ટથી દૂર હતી. 2020 માં સાયના ભાજપ સાથે જોડાઈ હતી.