અર્જુન કપૂર છેલ્લે તેણે ‘સિંઘમ અગેઇન’માં ભજવેલો રાવણનો રોલ અને મલાઇકા અરોરા સાથેના બ્રેકઅપને કારણે હમણા ઘણો ચર્ચામાં છે
Mumbai, તા.૧૨
અર્જુન કપૂર છેલ્લે તેણે ‘સિંઘમ અગેઇન’માં ભજવેલો રાવણનો રોલ અને મલાઇકા અરોરા સાથેના બ્રેકઅપને કારણે હમણા ઘણો ચર્ચામાં છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું કે તેને લાગે છે કે દુનિયામાં હજુ પ્રેમ છે. અર્જુને આ ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ તેના માટે ઘણા મુશ્કેલ રહ્યાં છે. તેણે એમ પણ કહ્યું કે તેણે તેના વખાણ થાય અને તેને દર્શકોનો પ્રેમ મળે તેના માટે લાંબા સમય સુધી ધીરજપૂર્વક રાહ જોઈ છે. હકારાત્મકતા અને ખરા પ્રેમ વિશે વાત કરતા અર્જુને કહ્યું, “મેં દર્શકોનો પ્રેમ અને સરાહના મળે તેના માટે ઘણા લાંબા સમય સુધી ધીરજપૂર્વક અને માનપૂર્વક રાહ જોઈ છે. મને લાગે છે કે મારુ ડેબ્યુ થયું ત્યારે મને એટલો પ્રેમ મળ્યો કે પછી હંમેશા હું એ પ્રેમને ઝંખતો રહ્યો છું. હું દરરોજ એક એક પગલું આગળ વધું છું, પછી તે ઇન્ટરવ્યૂ હોય તે પછી લોકો મને મારા કોઈ પાત્રના નામથી બોલાવતા હોય, તમને લાગે છે કે તમારી મહેનતની નોંધ લેવાઈ. તેથી આ તબક્કામાં મને ખરેખર મજા આવી રહી છે. તેમાં ઘણી હકારાત્મકતા અને ઊર્જા, ઉત્સાહ અને ખરો પ્રેમ છે. છતાં તમારે નવી તકો માટે મહેનત કરવી પડશે અને એ તકોને જવાબદારીપૂર્વક પસંદ કરવી પડશે.”અર્જુને એ પણ વાત કરી કે લોકો તેનો ઉત્સાહ વધારવા માગે છે. તેણે કહ્યું, “મને એવું પણ લાગ્યું છે કે મારા માટે દુનિયામાં પ્રેમ છે. એવા લોકો છે જે મારો ઉત્સાહ વધારવા માગે છે અને મને ટેકો આપવા માગે છે. આ સંદર્ભે હું ટિકિટ ખર્ચીને મારા માટે આવતા દર્શકો, ઇન્ડસ્ટ્રી અને મીડિયાની વાત કરું છું. એ સંદર્ભે ખરાબી પર સારાઈનો વિજય થાય તેમાંથી જ શુભેચ્છાઓ અને ઉત્સાહનો જન્મ થાય છે. અંતે પૂરતાં સારા લોકો હશે અને દુનિયામાં પુરતી સારપ હશે જે તમારી સાથે હશે. છેલ્લાં થોડા વર્ષો અને એમાં પણ ખાસ તો છેલ્લા પાંચ વર્ષ મારા માટે કપરાં રહ્યાં છે.”