New Delhi,તા.20
બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો થયાં બાદ, ભારત 26 ડિસેમ્બરથી શરૂ થનારી ચોથી ટેસ્ટ માટે ગુરુવારે મેલબોર્ન માટે રવાના થયું હતું. વિદાયની સાથે જ ફાઈનલ ઈલેવનને લઈને ટીમ થિંક ટેન્કનું મંથન પણ શરૂ થઈ ગયું હશે. વાસ્તવમાં રવિચંદ્રન અશ્વિનની અચાનક નિવૃત્તિને કારણે ભારતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં એક સ્પિનર ગુમાવ્યો છે.
એક હજારથી વધુ વિકેટ
મેલબોર્ન ઓસ્ટ્રેલિયાનાં એવાં કેટલાક મેદાનોમાંથી એક છે જ્યાં રમતમાં સ્પિનરોની ભૂમિકા લગભગ પેસર જેટલી હોય છે. મેલબોર્નમાં અત્યાર સુધી સ્પિનરોએ 1021 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાનાં કોઈપણ મેદાન પર સ્પિનરે લીધેલી આ બીજી સૌથી વધુ વિકેટ છે.
ટીમ ઈન્ડિયાને આ આંકડો ગમશે પણ સમસ્યા એ છે કે આ મેદાન પર બીજા નંબરનો સૌથી સફળ ભારતીય સ્પિનર અશ્વિન હવે ટીમ સાથે નથી. જો અશ્વિને નિવૃત્તિ ન લીધી હોત તો કદાચ 26મી ડિસેમ્બરથી રમાનારી બોક્સિંગ -ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શક્યો હોત.
અશ્વિનની ગેરહાજરીમાં સવાલ એ ઊભો થયો છે કે, શું ટીમ ઈન્ડિયા બે સ્પિનરો સાથે મેલબોર્ન ટેસ્ટમાં ઉતરવાનું જોખમ લેશે ?
સદીથી બે વિકેટ દૂર
ભારતીય સ્પિનરોની મેલબોર્નના મેદાન પર સરેરાશ 32.97 રહી છે, જે આ મેદાન પર કોઈપણ વિદેશી ટીમનાં સ્પિનરોની સૌથી શ્રેષ્ઠ સરેરાશ છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાના સ્પિનરોનો સ્ટ્રાઈક રેટ 70.5 રહ્યો છે .
આ મેદાન પર કોઈપણ મુલાકાતી ટીમનાં સ્પિનરોનો આ શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ છે. ભારતીય સ્પિનરોએ અત્યાર સુધીમાં 98 વિકેટ ઝડપી છે અને તેઓ આગામી મેચમાં સદી પૂરી કરી શકે છે.