Maharashtra,તા.૨૮
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મહાવિકાસ અઘાડીમાં ભાગલા પડવાની દહેશત છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એકલા હાથે લડી શકે છે. ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં મહાવિકાસ આઘાડી છોડવાનો નિર્ણય લઈ શકે છે.
શિવસેના યુબીટી પાર્ટી એમવીએ છોડવા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના એક નેતાએ કહ્યું છે કે તે નગરપાલિકાની ચૂંટણી અલગથી લડવાનું વિચારી રહ્યો છે. શિવસેના ભવિષ્યમાં તમામ ચૂંટણી એકલા હાથે લડી શકે છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ ગઈકાલે શિવસેના ઉદ્ધવના સ્ટેન્ડ પર બોલવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે બાળાસાહેબ થોરાટ અને વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે તમામ પક્ષોને અલગથી લડવાનો અધિકાર છે. આ માટે પક્ષો પોતાનું સ્ટેન્ડ બદલી શકે છે.
શિવસેના યુબીટી આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી કરી રહી છે. શિવસેના (યુબીટી)ના કાર્યકરો તેમજ ચૂંટણી હારેલા ઉમેદવારો અને જેઓ જીત્યા હતા તેઓએ પણ ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ અઘાડી જલ્દી છોડવા વિનંતી કરી છે. જો કે ઉદ્ધવ ઠાકરેએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. કોંગ્રેસ સાથે સરકાર બનાવવાને કારણે એકનાથ શિંદે અને તેમની સાથે ચાલીસ ધારાસભ્યોએ બળવો કરીને ઉદ્ધવને આંચકો આપ્યો છે, આવી સ્થિતિમાં ઉદ્ધવ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
જ્યારે શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતને પૂછવામાં આવ્યું કે શું શિવસેના આગામી બીએમસી ચૂંટણી એકલા લડશે કે સ્ફછના ભાગરૂપે તો તેમણે કહ્યું- “તમે લોકો શા માટે ચિંતિત છો? હવે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. અમે જોઈશું, અમને ખબર છે કે શું કરવું છે. એમવીએ નેતાઓ બીએમસી ચૂંટણી અંગે નિર્ણય લેવામાં સક્ષમ છે.”