Jaipur,તા.11
સોનુ નિગમ રાજકારણીઓ પર ભડકયો છે. તેણે નેતાઓને કહ્યું છે કે, તમારે કોઈ કલાકારના કાર્યક્રમની વચ્ચેથી જ જતું રહેવું હોય તો એ કાર્યક્રમમાં આવવું જ નહીં. સોનું કહે છે કે આમ કરીને તમે કલાકારનું અને મા સરસ્વતીનું અપમાન કરો છો.
વાત રાજસ્થાનની છે જયાં સોનુએ ‘રાઈઝીંગ રાજસ્થાન’ નામની સરકારી ઈવેન્ટમાં પર્ફોર્મ કર્યુ હતું. એ ઈવેન્ટમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા તથા તેમના અન્ય મિનિસ્ટરો ઉપસ્થિત હતા તથા વિશ્વભરના ડેલિગેટસ હતા.
મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા સોનુના કાર્યક્રમની વચ્ચેથી ઉભા થઈને નીકળી ગયા હતા અને તેમની સાથે તેમના મિનિસ્ટરો તથા ડેલિગેટસ પણ ઉભા થઈ ગયા હતા. સોનુ નિગમે આ સંદર્ભે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી છે.
તેણે કહ્યું છે, ‘મારી તમને બધાને એક વિનંતી છે. તમારે વચ્ચેથી જતા જ રહેવું હોય તો આવો જ નહીં. અથવા કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જતા રહો. કલાકારના પર્ફોર્મન્સની વચ્ચે તમે જાઓ એ અનાદર છે, સરસ્વતીનું આ અપમાન છે.’
સોનુએ ત્યારબાદ રાજકારણીઓને ટોણો મારતાં કહ્યું છે કે, ‘તમને ઘણું કામ હોય છે, તમારે ઘણી જવાબદારીઓ સંભાળવાની હોય. કોઈ શોમાં તમારે ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ.’