ગંભીરનો KKR વાળો પ્લાન, ટીમ ઇન્ડિયા માટે શોધ્યો’Sunil Narine’ જેવો તોફાની ઓલરાઉન્ડર

Share:

New Delhi,તા.26

શ્રીલંકા સામેની T20 સિરીઝ ગૌતમ ગંભીર માટે હેડ કોચ તરીકેની પહેલી સિરીઝ હશે અને તેની શરુઆત પહેલા જ તેમણે એવું કંઈક કરવાનું મન બનાવી લીધું છે. જે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે. પલ્લેકેલેથી આવી રહેલા રિપોર્ટ મુજબ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના સુનીલ નરેનને શોધી કાઢ્યો હતો.

મેદાન ઉપર રમવા આવો અને બોલરો પર તૂટી પડો, કરી દો ચોક્કા-છગ્ગાનો વરસાદ અને પાવરપ્લેમાં જ વિરોધી ટીમને સરેન્ડર કરી દો. ગૌતમ ગંભીરે કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે આવી જ રણનીતિ અપનાવી હતી અને પરિણામે આ ટીમ આઇપીએલ 2024ની ચેમ્પિયન બની હતી. હવે ગૌતમ ગંભીર આઇપીએલની આ ફોર્મ્યુલાને ટીમ ઇન્ડિયામાં પણ લાગુ કરવા જઈ રહ્યા છે. પલ્લેકેલેથી આવી રહેલા રિપોર્ટ પ્રમાણે ગૌતમ ગંભીરને એક એવો ખેલાડી મળ્યો છે જે બિલકુલ સુનીલ નરેનની જેમ રમશે. ક્રિઝ પર જઈને માત્ર સિક્સર અને ફોર ફટકારવાની જવાબદારી તેની રહેશે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ઑફ-સ્પિનર ​​વૉશિંગ્ટન સુંદર છે, જેને ગૌતમ ગંભીરે સુનીલ નરેનની ભૂમિકા આપવાનું નક્કી કર્યું છે.

ટીમ ઇન્ડિયાના સુનીલ નરેન!

પલ્લેકેલેથી મળેલી માહિતી પ્રમાણે ગૌતમ ગંભીરે વૉશિંગ્ટન સુંદરને હાર્ડ હિટિંગનો રોલ આપ્યો છે. આ ખેલાડી પાસે સતત બે પ્રેક્ટિસ સેશનમાં નંબર 3 પર બેટિંગ કરાવવામાં આવી હતી. સુંદરે બેટિંગ દરમિયાન લાંબા અંતરની હિટિંગની પ્રેક્ટિસ કરી હતી. એટલે કે, તેને માત્ર છગ્ગા અને ચોગ્ગા મારવાનું કહેવામાં આવ્યું હતું. સુનીલ નરેન જેવી બેટિંગ કરે છે તે જ પ્રકારની બેટિંગ વૉશિંગ્ટન સુંંદરની હતી. અહીં રસપ્રદ વાત એ છે કે, વૉશિંગ્ટન સુંદર પણ ડાબોડી બેટ્સમેન છે અને નરેનની જેમ તે સારો બોલર પણ છે.

ગંભીરના પ્લાનિંગમાં દમ છે જ…

સુનીલ નરેનના રોલમાં વૉશિંગ્ટન સુંદરને રાખવાના ગૌતમ ગંભીરના પ્લાનમાં ચોક્કસ દમ છે. હકીકતમાં સુંદર શાનદાર બેટિંગ કરે છે. આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તેણે શાનદાર પરફોર્મન્સ બતાવ્યું છે. માત્ર 24 વર્ષના આ ખેલાડીએ T20, ODI અને ટેસ્ટ આ ત્રણેય ફોર્મેટમાં અડધી સદી ફટકારી છે. ગયા વર્ષે રાંચીમાં ન્યુઝીલેન્ડ સામેની ટી-20 મેચમાં સુંદરે માત્ર 26 બોલમાં 50 રન બનાવીને પોતાની યોગ્યતા સાબિત કરી હતી. જો કે ટીમ ઇન્ડિયા તે મેચ હારી ગઈ હતી. પરંતુ એમાં કોઈ બેમત નથી કે, આ ખેલાડી જોરદાર હિટિંગ કરી શકે છે. પરંતુ હવે જોવાનું એ રહે છે, કે ગંભીરનો આ પ્લાન સફળ થાય છે કે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *