આજની તારીખમાં સાડી ડ્રેપિંગને એક કળા તરીકે જોવામાં આવે છે. પરંપરાગત ગુજરાતી, દક્ષિણી, બેંગોલી કે મહારાષ્ટ્રીયન સાડી ઉપરાંત સાડી પહેરવાની અનેક મોડર્ન સ્ટાઈલ ફેશન ડિઝાઈનરોએ શોધી કાઢી છે. રમણીની કામણગારી કાયાના વિવિધ અંગોને આકર્ષક રીતે દર્શાવતી સાડી ડ્રેપિંગ માત્ર મોડર્ન યુગમાં જોવા મળે છે એવું નથી. વાસ્તવમાં કામિનીનું મંત્રમુગ્ધ કરતું દેહ લાલિત્ય છેક સિંધુ સંસ્કૃતિ દરમિયાન પહેરાતી સાડીમાં જોવા મળતું.
આપણે એ તો જાણીએ છીએ કે સાડી આપણો પરંપરાગત પોશાક છે અને તે સદીઓથી પ્રચલિત છે. પણ હકીકત એ છે કે આપણે ત્યાં સાડી પહેરવાનું ચલણ સેંકડો નહીં, બલ્કે હજારો-હજારો વર્ષ પુરાણું છે. અત્રે આપણે સાડીના શુભારંભ વિશે થોડી માહિતી મેળવીએ.
નિષ્ણાતો કહે છે કે ‘સાડી’ શબ્દ પ્રાકૃત શબ્દ ‘સટ્ટિકા’ પરથી ઉતરી આવ્યો છે. આનો ઉલ્લેખ પુરાણા જૈન અને બુદ્ધ સાહિત્યમાં જડી આવે છે. ભારતના વસ્ત્રોના ઈતિહાસમાં તેનો ઉલ્લેખ છેક સિંધુ સંસ્કૃતિમાં જોવા મળે છે. મતલબ કે ઈ.સ.પૂર્વે ૨૮૦૦ થી ૧૮૦૦ દરમિયાન ઉપખંડના પશ્ચિમ ભાગમાં સાડી પહેરાતી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.
પ્રાચીન તામિળ સાહિત્ય તેમજ બાણભટ્ટ લિખિત કાદમ્બરીમાં તત્કાલીન સ્ત્રીઓએ ઉત્કૃષ્ટ રીતે પહેરેલી સાડીનું વર્ણન છે. પૌરાણિક ભારતીય પરંપરા તેમજ નાટય શાસ્ત્રમાં નારીની નાભિને સર્વોપરી અને રચનાત્મક માનવામાં આવી છે તેથી સ્ત્રીની કટિ અને પેટ દેખાય એ રીતે સાડી ધારણ કરવામાં આવતી.
કેટલાંક ઈતિહાસવેદોના મત મુજબ ભારતનો સૌથી પુરાણો પોશાક ધોતીયું છે અને સાડીનો પ્રાદુર્ભાવ ધોતીયા પછી થયો. તેઓ કહે છે કે ૧૪ મી સદીમાં સ્ત્રીઓ અને પુરૂષો, બેઉ ધોતીયું પહેરતા.
ગાંધાર, મથુરા અને ગુપ્ત શાળાઓ (ઈ.સ.ની પહેલીથી છઠ્ઠી સદી) ના શિલ્પોમાં દેવીઓ અને નૃત્યાંગનાઓને ધોતિયું પહેરાવતી દર્શાવવામાં આવી છે.
જ્યારે કેટલાંક ઈતિહાસવિદો કહે છે કે તે સમયના રોજિંદા પોશાકમાં ધોતિયું અથવા લુંગી, બ્રેસ્ટ બેન્ડ (ઉરોજોને ઢાંકતું પટ્ટા જેવું આવરણ) અને ધડ અથવા માથાને ઢાંકતી ઓઢણી (ઓઢણી જેવું આચ્છાદન)નો સમાવેશ થતો હતો. કેરળમાં લુંગી અને શાલ પહેરવામાં આવતા અને આ લુંગી તેમજ શાલને એક કરીને જ સાડીનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો.
એમ માનવામાં આવે છે કે લાંબા સમય સુધી ભારતીય મહિલાઓ આ રીતે જ સાડી પહેરતી. આમ છતાં હમણાં જે રીતે સાડી પહેરાય છે તે પધ્ધતિ પણ આજકાલની નથી, પરંતુ સેંકડો વર્ષથી ચાલી આવે છે.
જોકે સાડી સાથે પહેરવામાં આવતા ચણિયા અને બ્લાઉઝ વિશે ઈતિહાસવિદોમાં મતમતાંતર પ્રવર્તે છે. કેટલાંક વિદ્વાનો માને છે કે બ્રિટિશરો ભારતમાં નહોતા આવ્યા ત્યાં સુધી સાડી સાથે ચણિયો-બ્લાઉઝ પહેરવાનું ચલણ નહોતું. ચણિયા-બ્લાઉઝની શોધ રાણી વિક્ટોરિયાના આધુનિક વિચારોને અમલમાં મૂકવાના ભાગરૂપે થઈ હતી. તેનાથી પહેલા સ્ત્રીઓ શરીર પર માત્ર એક કપડું વીંટાળતી અને તેમના ઉરોજો તેમજ ધડનો ભાગ ઉઘાડો રહેતો. જ્યારે કેટલાંક ઈતિહાસવિદોએ ઉરોજોના આવરણ તેમજ શાલ પહેરેલી મહિલાઓના કળાત્મક પુરાવાઓ રજૂ કર્યાં છે.
કેરળ અને તામિલનાડુના સંખ્યાબંધ પૌરાણિક દસ્તાવેજોમાં ઘણી કોમની સ્ત્રીઓને ૨૦મી સદી સુધી ઉઘાડા ધડ સાથે, શરીરે માત્ર સાડી લપેટાયેલી વર્ણવવામાં આવી છે. ‘શિલાપ્પડિકરમ’ જેવા તત્કાલીન કાવ્યોમાં વર્ણવવામાં આવ્યા મુજબ પૌરાણિક તામિલનાડુના સંગમ કાળમાં માત્ર એક જ વસ્ત્ર દ્વારા સ્ત્રીના કટિથી નીચેના ભાગ તેમજ માથાને ઢાંકવામાં આવતો, જ્યારે ધડનો ભાગ સંપૂર્ણપણે ઉઘાડો રહેતો. તે સમયમાં કેરળની નારીઓનો ઉર પ્રદેશ ખુલ્લો રહેતો એવા ઘણાં પુરાવા મોજૂદ છે. આજે પણ ઘણાં અંતરિયાળ વિસ્તારોમાં સ્ત્રીઓ ચોલી નથી પહેરતી.
કહેવાની જરૂર નથી કે આપણા દેશના ઘણાં વિસ્તારોની આદિવાસી મહિલાઓ ચોલી નથી પહેરતી. અને આવા પર્યટન વિસ્તારોમાં જતાં લોકો તેમના નૃત્ય કરતાં ફોટા તેમ જ વિડિયો ઉતારીને વિદેશમાં વેંચીને બહોળો નફો રળે છે. આધુનિક વિચારસરણી ધરાવતા લોકો માટે તે કદાચ સેમી પોર્ન ફિલ્મ ગણાતી હશે. પણ આ આદિવાસી સ્ત્રીઓ માટે તે તેમનો પરંપરાગત સાહજીક પોશાક છે.