New Delhi,તા.10
ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝની છેલ્લી ટેસ્ટમાં ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો. તેનાં ફોર્મને જોતાં તેની ટેસ્ટ કારકિર્દીના ભવિષ્ય પર સવાલો ઉભાં થયાં હતાં. ભારતીય ટેસ્ટ ટીમનો આગામી સુકાની કોણ હશે તે સવાલ પર પણ સૌથી મોટો વિવાદ શરૂ થયો હતો.
સિડની ટેસ્ટના બીજા દિવસે બ્રોડકાસ્ટર સાથે વાત કરતી વખતે, રોહિત પણ આ પ્રશ્ન સાથે સહમત જણાતો હતો અને તેણે એ પણ સ્વીકાર્યું હતું કે એવા ઘણાં ખેલાડીઓ છે જે ભારતીય ટીમની કેપ્ટનશિપની રેસમાં છે.
જો કે, તેણે એવી શરત પણ મૂકી કે આ રીતે કોઈને કેપ્ટનશિપનો તાજ ન મળવો જોઈએ. તેમનાં પ્રદર્શનથી, ખેલાડીઓએ પોતાને આ સ્થાન માટેની તેમની યોગ્યતા સાબિત કરવી જોઈએ.
► છેલ્લી બે શ્રેણીમાં રોહિતનો ગ્રાફ ઘટ્યો
આ બાબતે વિવાદ થઈ શકે છે કે રોહિતને નસીબે કેપ્ટનશીપ મળી હતી. જોકે, આ સત્યને નકારી શકાય નહીં કે રોહિતે તેની જવાબદારીઓ સારી રીતે નિભાવી હતી. સૌરવ ગાંગુલીની પરંપરાને ધોનીએ અને કોહલી એક નવાં આયામ પર લઈ ગયાં હતાં.
રોહિતે પણ છેલ્લી કેટલીક સિરીઝ સુધી આ ટ્રેન્ડ જાળવી રાખ્યો હતો. રોહિતની કપ્તાની હેઠળ, ભારત નવ ટેસ્ટ મેચ હારી ગયું હતું, જેમાંથી પાંચ ટેસ્ટ હાર માત્ર છેલ્લાં અઢી મહિનામાં જ જોવા મળી હતી. નવાં કેપ્ટનની શોધ મોટા ભાગે આ હારનું જ પરિણામ છે.
► શુભમન પાછળ
આ બીજીટી શ્રેણીમાં તેનાં સામાન્ય પ્રદર્શનને કારણે, શુભમન ગિલ કેપ્ટનશિપની રેસમાં પાછળ રહી ગયો છે. આ શ્રેણી પહેલાં તેને ભાવિ કેપ્ટન તરીકે રજૂ કરવામાં આવી રહ્યો હતો. તેને દુલીપ ટ્રોફી 2024માં ઈન્ડિયા-એની કેપ્ટનશીપ આપવામાં આવી હતી, જેમાં કેએલ રાહુલ જેવાં ખેલાડીઓ પણ હાજર હતાં.
ગિલે ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની શ્રેણીમાં સુકાનીપદ સંભાળ્યું હતું. શ્રીલંકાનાં પ્રવાસ પર ટી-20 અને વનડે શ્રેણીમાં તે ભારતીય ટીમનો વાઈસ-કેપ્ટન પણ હતો. જો ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનાં ફોર્મમાં પરત ફરશે તો તે ફરી એકવાર કેપ્ટન્સીનો પ્રબળ દાવેદાર બની જશે.
► બુમરાહ માટે ‘આરામ’ જરૂરી
જસપ્રીત બુમરાહ એ નામ છે જે થોડાં દિવસોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ માટે મજબૂત દાવેદાર બની ગયો છે. જો આ દાવામાં કોઈ અડચણ છે તો તે તેની ફિટનેસ સાથે સંબંધિત છે.
ટીમનો મુખ્ય બોલર હોવાનાં કારણે દરેક તેની પાસેથી મહત્તમ ઓવરોની અપેક્ષા રાખશે અને આવી સ્થિતિમાં તેને ફિટ રહેવા માટે વચ્ચે આરામની જરૂર પડશે. જો તેને વિરામ ન મળે તો ઈજા થવાનો ભય રહેશે.
► પંત પણ રેસમાં
એક ભયાનક માર્ગ અકસ્માતમાંથી સાજા થઈને મેદાનમાં પરત ફરેલો ઋષભ પંત ફરીથી ભારતીય ટીમની કેપ્ટનશીપની રેસમાં જોડાયો છે. પંતે 2022 માં દક્ષિણ આફ્રિકા સામેની પાંચ ટી-20 મેચોમાં ભારતીય ટીમની સુકાની કરી હતી. તેને હજુ સુધી ટેસ્ટમાં આ તક મળી નથી, પરંતુ તેની ફિટનેસ, પ્રદર્શન અને રમત પ્રત્યેનાં અભિગમને કારણે તે કેપ્ટનશિપનો પ્રબળ દાવેદાર પણ છે.
► ગાવસ્કર શું કહે છે?
જો સુનીલ ગાવસ્કરની વાત માનવામાં આવે તો રોહિત બાદ બુમરાહ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરશે. તેમણે કહ્યું કે બુમરાહ ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. તે ખૂબ જ જવાબદારી સાથે ટીમનું નેતૃત્વ કરે છે, તેની છબી ઘણી સારી છે. તેનામાં કેપ્ટનના ગુણો છે અને તે ખેલાડીઓ પર બિનજરૂરી દબાણ લાવશે નહીં.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, બુમરાહને જોઈને એવું લાગે છે કે તે બીજાઓથી એ જ ઈચ્છે છે જે તેનું કામ છે. ગાવસ્કરે કહ્યું કે જો બુમરાહ કેપ્ટન બને તો મને આશ્ચર્ય થશે નહીં.