Mumbai,તા.૨૧
ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું છે કે કોઈને લાંબા કલાકો સુધી કામ કરવા માટે દબાણ કરી શકાય નહીં. પરંતુ, દરેક વ્યક્તિએ પોતાના માટે આ વિશે વિચારવું જોઈએ અને તેની જરૂરિયાત સમજવી જોઈએ.
તેમણે તાજેતરમાં યુવાનોને અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાની સલાહ આપી હતી. મૂર્તિએ કહ્યું કે તેણે ૪૦ વર્ષ સુધી ઈન્ફોસિસમાં અઠવાડિયામાં ૭૦ કલાકથી વધુ કામ કર્યું. આ મુદ્દા પર ચર્ચાની નહીં, પણ વિચારવાની જરૂર છે.
નારાયણ મૂર્તિએ કહ્યું કે હું સવારે ૬ઃ૩૦ વાગ્યે ઓફિસ પહોંચતો હતો અને રાત્રે ૮ઃ૩૦ વાગ્યે નીકળી જતો હતો. મેં આ કર્યું છે.આઇએમસી મુંબઈ ખાતે કિલાચંદ મેમોરિયલ લેક્ચર પછી, મૂર્તિને વર્ક-લાઈફ બેલેન્સ પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો.
નારાયણ મૂર્તિએ કહ્યું કે આ તેમના અંગત જીવનની વસ્તુઓ છે. આ અંગે ચર્ચાને બદલે આત્મનિરીક્ષણ જરૂરી છે. એવું કોઈ નથી જે કહી શકે કે તમારે આ કરવું જોઈએ, તમારે આ ન કરવું જોઈએ. ૬૦ ટકા ભારતીયો હજુ પણ દર મહિને મફત અનાજ પર નિર્ભર છે. આટલી ગરીબી કોઈ પણ દેશ માટે સારી નથી. એક સંસ્કારી સમાજ એ છે જ્યાં આવનારી પેઢી માટે જીવન વધુ સારું બનાવવા માટે કામ કરવામાં આવે છે.
નારાયણ મૂર્તિ બાદ લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસએન સુબ્રમણ્યમના નિવેદને પણ એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. તેમણે અઠવાડિયામાં ૯૦ કલાક કામ કરવાની હિમાયત કરી હતી. જોકે, ઘણા લોકોએ એસએન સુબ્રમણ્યમના નિવેદનની ટીકા પણ કરી હતી.