દેશે અનેક ઉતાર-ચઢાવ જોયા, પરંતુ જનતાએ તમામ પડકારોમાં લોકશાહીને મજબૂત કરી : આ બંધારણ તમામ ભારતીયો માટે એક વિશેષ આદરનો વિષય છે : મોદી
New Delhi, તા.૧૪
લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. દેશમાં બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા થઈ હતી. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા હતા. જ્યાં સદસ્યોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. સદનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું, જેનાથી સમગ્ર સંસદ પરિસર ગૂંજી ઉઠ્યું.
વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસનો સૌથી પ્રિય શબ્દ જેના વગર તેઓ જીવી નથી શકતા તે છે, જુમલો. ગરીબી હટાઓ… કોંગ્રેસનો સૌથી પસંદગીનો જુમલો હતો. શું તમને દેશમાં ટોયલેટ બનાવવાનો સમય ના મળ્યો. તમે ગરીબોને ટીવીમાં જોયા છે. સમાચાર પત્રોમાં વાંચ્યા છે. તમને ખબર જ નથી કે ગરીબી શું હોય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ બંધારણ જ છે જેમણે મને અને અન્ય લોકોને અહીં સુધી પહોંચાડવાનો મોકો આપ્યો. એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર વડાપ્રધાન બનવું બંધારણની શક્તિ વગર સંભવ ન હતું. દેશે અનેક ઉતાર-ચઢાવ જોયા, પરંતુ જનતાએ તમામ પડકારોમાં લોકશાહીને મજબૂત કરી. આ બંધારણ તમામ ભારતીયો માટે એક વિશેષ આદરનો વિષય છે.’
વડાપ્રધાને કહ્યું કે, જ્યારે દેશ બંધારણના ૫૦ વર્ષ મનાવી રહ્યો હતો તો આ મારું સૌભાગ્ય હતું કે મને પણ બંધારણની પ્રક્રિયાથી મુખ્યમંત્રી બનવાનો મોકો મળી ગયો. જ્યારે હું ૨૬મી નવેમ્બરે બંધારણ દિવસ મનાવવાની વાત કરી હતી ત્યારે એક નેતાએ સામેથી કહ્યું હતું, કે ૨૬મી જાન્યુઆરી તો મનાવો છો ૨૬મી નવેમ્બર મનાવવાની શું જરૂર છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ’જ્યારે દેશ બંધારણના ૨૫ વર્ષ પૂર્ણ કરી રહ્યો હતો, તે સમયે બંધારણને ક્ષતિ પહોંચાડવામાં આવી. દેશને જેલખાનું બનાવી દેવાયો અને નાગરિકોના અધિકાર છીનવી લેવાયા. આ કોંગ્રેસના માથા પર એવું પાપ છે જે ક્યારેય મિટાવી નહીં શકાય.’ બંધારણ નિર્માતાઓની તપસ્યાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, તેમની મહેનત ધૂળમાં મિલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ લોકશાહી અને બંધારણની સાથે વિશ્વાસઘાત હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક લોકોએ નિષ્ફળતાઓનું દુઃખ વ્યક્ત કર્યું. હું દેશની જનતાને નમન કરું છું કે તેઓ સંપૂર્ણ તાકાતથી દેશના બંધારણ સાથે ઉભા છે. કોંગ્રેસના એક પરિવારે બંધારણને ક્ષતિ પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી, ૫૫ વર્ષ એક જ પરિવારે રાજ કર્યું. ૫૫ વર્ષ સુધી એક જ પરિવારનું શાસન રહ્યું, આ દરમિયાન બંધારણ પર સતત પ્રહાર કરવામાં આવ્યા. આ પરિવારના કુવિચાર, કુરીતિ અને કુનીતિની પરંપરાએ દેશને અનેક મુશ્કેલીઓમાં ધકેલ્યો.’
વડાપ્રધાન મોદીએ ૧૯૫૧ની તે ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે સમયે જ્યારે ચૂંટાયેલી સરકાર ન હતી, કોંગ્રેસ એક અધ્યાદેશ લાવીને બંધારણને બદલ્યું અને અભિવ્યક્તિની આઝાદી પર પ્રહાર કર્યા. આ પરિવાર તમામ સ્તરે બંધારણને પડકાર આપતો રહ્યો છે, અને દેશવાસીઓને એ જાણવાનો અધિકાર છે કે તેમના શાસનકાળમાં શું-શું થયું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ’કોંગ્રેસે બંધારણ સાથે છેડછાડ કરી અને પોતાની મનમાની કરવા માટે બંધારણના મૂળ ભાવને હાંસિયામાં ધકેલ્યો. બંધારણ સભામાં જે કામ ન કરાવી શક્યા, તેને બાદમાં પાછળથી કરવામાં આવ્યું. પંડિત
નેહરૂએ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા હતા કે જો બંધારણ આપણા રસ્તામાં આવે તો તેનું કોઈપણ સંજોગોમાં પરિવર્તન કરવું જોઈએ. તે સમયે (૧૯૫૧ની ઘટના) એક પાપ કરવામાં આવ્યું, જ્યારે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ચેતવણી આપી હતી કે, આ ખોટું થઈ રહ્યું છે. સ્પીકરે પણ કહ્યું હતું કે, આ ખોટું થઈ રહ્યું છે. આ ઘટના વર્ણવે છે કે કોંગ્રેસે કઈ પ્રકારે બંધારણની મર્યાદાઓને ઓળંગી.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ’કોંગ્રેસ સમય-સમય પર બંધારણનો શિકાર કરતી રહી અને બંધારણની આત્માને લોહિલૂહાણ કરતી રહી. ૬ દાયકામાં ૭૫ વાર બંધારણ બદલાયું. જે બીજ દેશના પહેલા વડાપ્રધાને રોપ્યા હતા તેને પોષણ આપવાનું કામ ઇન્દિરા ગાંધીએ કર્યું. ૧૯૭૫માં ૩૯મું સંશોધન કર્યું, રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, અધ્યક્ષ, વડાપ્રધાનની ચૂંટણી વિરૂદ્ધ કોઈ કોર્ટમાં જઈ જ ના શકે એવી જોગવાઈ કરવામાં આવી. ઈમરજન્સીમાં લોકોના અધિકારો છીનવી લેવાયા, કોર્ટનું ગળું દબાવાયું. કમિટેજ જુડિશરીના વિચારને તેમણે તાકાત આપી.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે પરંપરા નેહરૂજીએ શરૂ કરી, જેને ઇન્દિરાજીએ આગળ વધારી, રાજીવ ગાંધીએ બંધારણને વધુ એક ગંભીર આંચકો આપ્યો. સમાનતાના ભાવને ઈજા પહોંચાડી. ભારતની મહિલાઓને ન્યાય આપવાનું કામ બંધારણની મર્યાદાના આધાર પર સુપ્રીમ કોર્ટે આપ્યું હતું પરંતુ રાજીવ ગાંધીએ વોટબેંક માટે બંધારણની ભાવનાની બલિ ચઢાવી દીધી અને કટ્ટરપંથીઓની આગળ શીશ છુકાવી દીધું.
વડાપ્રધાને કહ્યું કે, મનમોહનસિંહજીએ કહ્યું હતું કે, મારે એ સ્વીકાર કરવો પડશે કે પાર્ટી અધ્યક્ષ સત્તાનું કેન્દ્ર છે. સરકાર પાર્ટી પ્રત્યે જવાબદાર છે. ઇતિહાસમાં પહેલીવાર બંધારણને એવી ઊંડી પહોંચાડવામાં આવી. નેશનલ એડવાઇઝરી કાઉન્સિલને ઁર્સ્ંની ઉપર બેસાડી દીધી. એક અહંકારી કેબિનેટના નિર્ણયને ફાડી નાખ્યો અને કેબિનેટ પોતાના ચુકાદા બદલ એ કઈ વ્યવસ્થા છે. કોંગ્રેસે સતત બંધારણની અવમાનના કરી છે. બંધારણના મહત્ત્વને ઘટાડી દીધું છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બાબા સાહેબને ભારત રત્ન આપવાનું કામ ત્યારે સંભવ થયું જ્યારે કોંગ્રેસ સત્તાની બહાર થઈ. વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા લોકોએ અનામતની અંદર ફેરફાર કરવાનું કામ કર્યું છે, જેનું સૌથી વધુ નુકસાન એસસી-એસટી અને ઓબીસીનું નુકસાન કર્યું છે. દાયકાઓ સુધી મંડલ કમીશનનો રિપોર્ટ ડબ્બામાં નાખી દીધો હતો.
વડાપ્રધાન મોદીએ લોકસભામાં ભારતની એકતા અને અખંડતા પર ભાર આપતા કહ્યું કે, ’સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચવા માટે સૌથી મોટી જરૂરિયાત ભારતની એકતા છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ દેશની એકતા પર વિકૃત માનસિકતા કે સ્વાર્થની રાજનીતિને કારણે ગંભીર પ્રહાર કરવામાં આવ્યા. આપણી સંસ્કૃતિ અને પરંપરામાં વિવિધતાને સેલિબ્રેટ કરવાની પરંપરા છે, પરંતુ ગુલામીની માનસિકતામાં ઉછરેલા લોકોએ હંમેશા વિવિધતામાં વિરોધાભાસ શોધવાનો પ્રયાસ કર્યો.’
વડાપ્રધાને દેશની ઝડપી આર્થિક પ્રગતિ પર ભાર આપતા કહ્યું કે, ’આજે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને જલ્દીથી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે, આ ઉપલબ્ધિ તમામ ભારતીયોની મહેનત અને દૃઢ સંકલ્પનું પરિણામ છે. મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવું અમારી પ્રાથમિકતા છે. જ્યારે નારી શક્તિ આગળ વધશે, તો દેશ તમામ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પર પહોંચશે. આપણી લોકશાહી અને આપણી અર્થવ્યવસ્થા દુનિયા માટે પ્રેરણા બની રહી છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવલ છે, અને આ વિકાસ યાત્રા ચાલતી રહેશે.’
વડાપ્રધાન મોદીએ ભારતના લોકતાંત્રિક માળખાને તેમની સંસ્કૃતિનો ભાગ ગણાવતા કહ્યું કે, ભારતનું લોકતંત્ર ખુબ સમૃદ્ધ રહ્યું છે. આ આપણી સંસ્કૃતિ અને પરંપરામાં મૂળિયાં ઊંડે સુધી છે. ભારતની લોકશાહીએ સમગ્ર દુનિયાને પ્રેરિત કરી છે. ભારતે ૭૫ વર્ષની અસાધારણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. લોકશાહીએ આપણને તમામ તબક્કાઓને પાર કરવા અને આગળ વધારવાની તાકાત આપી છે.
વડાપ્રધાન મોદીએ નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરતા મહિલાઓના સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વર્ણવી. તેમણે કહ્યું કે, ’આ અધિનિયમ મહિલાઓને રાજનીતિક ભાગીદારીમાં વધુ અવસર આપવા માટે મીલનો પથ્થર સાબિથ થશે. ભારતે શરૂઆતથી જ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો. આજે, સંસદમાં મહિલા સાંસદોની સંખ્યા સતત વધી રહી છે. નારી શક્તિ વંદન અધિનિયમ આ દિશામાં એક ઐતિહાસિક પગલું છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની ૭૫મી વર્ષગાંઠના અવસર પર લોકસભામાં પોતાના સંબોધનમાં કહ્યું કે, ’રાજર્ષિ પુરૂષોત્તમ દાસ ટંડન અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેવી મહાન વિભૂતિઓએ ભારતની લોકશાહીનો પાયો મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. તેમનું યોગદાન અમૂલ્ય છે. હું આ મહાન ઉપલબ્ધિ માટે દેશના નાગરિકોને નમન કરું છું.’
વડાપ્રધાન મોદીએ લોકસભામાં બંધારણની ૭૫મી વર્ષગાંઠ પર પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત લોકશાહીની જનની છે અને આપણું ગણતંત્ર સમગ્ર દુનિયા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ આ ગર્વની ક્ષણ છે અને લોકશાહીના અવસરને મનાવવાનો આ અવસર છે. ભારતનો નાગરિક તમામ કસોટી પર ખરો ઉતર્યો છે અને લોકશાહીની સફળતાનો આધાર રહ્યો છે.