Mumbai, તા.31
શેરબજારમાં આજે કેલેન્ડર વર્ષ 2024ના અંતિમ દિવસે પ્રારંભિ કડાકા બાદ રિકવરી આવી હતી. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ જ રહ્યો હતો. શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું. કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ હોવાને કારણે નવા વેપારમાં રસ ઓછો હતો. વિદેશી નાણાં સંસ્થાઓની આક્રમક વેચવાલીનો પ્રત્યાઘાત હતો.
વિદેશી મુદ્દા ભંડારમાં મોટો ઘટાડા જેવા કારણોની પણ અસર હતી. જો કે, રિઝર્વ બેન્કે અર્થતંત્રમાં મજબૂતાઇ રહેવાનો રીપોર્ટ જારી કરતા રાહત થઇ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નવા વર્ષમાં તેજીનો નવો દોર રહેવાનો આશાવાદ છે.
જાન્યુઆરીમાં અમેરિકામાં ટ્રમ્પ સત્તારૂઢ થયા બાદની નીતિની મોટી અસર થઇ શકે છે. આ સિવાય નવા વર્ષ માટે વિદેશી સંસ્થાઓને નાણાંકિય ફાળવણી પર પણ મીટ રહેશે.
શેરબજારમાં આજે ઇન્ફોસીસ ટીસીએસ, ટેક મહિન્દ્ર, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ જેવા શેરોમાં ઘટાડો હતો. કોટક બેંક, લાર્સન, મારૂતિ, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ, ભારત ઇલે., ઓએનજીસી, ટ્રેન્ટ, રાઇટસ જેવા શેરો ઉંચકાયા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 145 પોઇન્ટના ઘટાડાથી 78102 હતો તે ઉંચામાં 78305 તથા નીચામાં 77560 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 12 પોઇન્ટના ઘટાડાથી 23633 હતો તે ઉંચામાં 23689 તથા નીચામાં 23460 હતો.
શેરબજારમાં કેટલાક દિવસોથી તેજી-મંદીની ઉથલપાથલ રહી છે. છતાં 2024ના સમગ્ર વર્ષ દરમ્યાન તેજી જ છે. સેન્સેક્સમાં 2024ના વર્ષમાં 5800 પોઇન્ટ તથા નિફટીમાં 1900 પોઇન્ટ જેવો ઉછાળો રહ્યો છે.
શેરબજારમાં નબળાઇ વચ્ચે કરન્સી માર્કેટમાં પણ રુપિયો દબાણ હેઠળ જ રહ્યો હતો. ડોલર સામે તે આજે વધુ દબાઇને 85062 સાંપડ્યો હતો. બુલીયન માર્કેટમાં પણ આજે ઝોક મંદીનો જ બની રહ્યો હતો. રાજકોટમાં હાજર સોનુ 50 રૂપિયાના ઘટાડાથી 78620 રહી હતી.
નવા વર્ષમાં નાણાં માર્કેટોનો ટ્રેન્ડ કેવો રહે છે તેના પર મીટ છે. કેલેન્ડર વર્ષના અંતિમ દિવસે ક્રિપ્ટોકરન્સીમાં પણ ગાબડા પડ્યા હતા. શેરબજારના જાણકારોના કહેવા પ્રમાણે કેલેન્ડર વર્ષના છેલ્લા દિવસે શેરબજાર, સોના-ચાંદી, કરન્સી, ક્રિપ્ટોકરંસી સહિત તમામ નાણાં બજારોમાં ઘટાડાથી નિષ્ણાંતો પણ ગોટે ચડ્યા છે.