કાસમઆલા ગેંગે કાળાચીઠ્ઠાની ડાયરી Saurashtra ના ગામડામાં છુપાવી

Share:

વડોદરા,તા.03

 ક્રાઈમ બ્રાન્ચે હુસેન સુન્ની અને તેની કાસમઆલા ગેંંગના ૯ સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીઓ હસન ઉર્ફે ઝાંઝર કાદરમીયા સુન્ની (ઉ.૨૭, રહે.કાસમઆલા કબ્રસ્તાન પાસે), શાહિદ ઉર્ફે ભૂરીયો જાકીરભાઇ શેખ (ઉ.૨૮, રહે.હુજરત ટેકરા પાસે,જ્યુબિલીબાગ પાછળ), વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માજા યુનુસખાન પઠાણ (ઉ.૩૮, કાસમ આલા કબ્રસ્તાન પાસે), સુફીયાન સિકંદર પઠાણ (ઉ.૨૪, રહે. પાંજરીગર મહોલ્લો,ફતેપુરા) અને ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખ (ઉ.૩૧, રહે ઇન્દિરા નગર, નવા બ્રિજ નજીક, હાથીખાના ગેટ પાસે)ની ધરપકડ કરી છે. આ પાંચ આરોપીઓ પાસેથી મહત્વની માહિતીઓ મેળવવાની હોવાથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર રઘુવીર પંડયાની દલીલો અને પોલીસે રજૂ કરેલા કારણોને ધ્યાનમાં રાખીને કોર્ટે તા.૧૩ સુધી એટલે કે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કાસમઆલા ગેંગે કાળચીઠ્ઠાના હિસાબવાળી ડાયરી સૌરાષ્ટ્રના ગામડામાં છુપાવી

કોર્ટમાં રિમાન્ડ માટે કારણો રજૂ કરાયા હતા કે ‘કાસમઆલા ગેંગ’ નામની ટોળકીના ૯ પૈકી ત્રણ સાગરીતો હુસૈન કાદરમીટા સુન્ની, અકબર કાદરમીયા સુન્ની અને મહમદઅલીમ સલીમ પઠાણ વિરૃધ્ધમાં રિવોલ્વર બતાવીને નાણા પડાવવાનો ગુનો દાખલ થયો છે. જેનાથી એ વાત સાબીત થઇ છે કે આ ટોળી હથીયારોથી લોકોને ધમકાવીને ખંડણી ઉઘરાવે છે. કેટલી ખંડણી ઉઘરાવેલ છે અને કોને આપેલ છે તે વિગત અને ટોળકી સાથે જોડાયેલા લોકોના મોબાઇલ નંબરની વિગત એક ડાયરીમાં લખીને રાખતા હોવાની માહિતી એક સાગરીત પાસેથી મળી છે. આ ડાયરી કાઠીયાવાડ-સૌરાષ્ટ્ર તરફ આવેલા એક ગામ કે જેના નામની ખબર નથી તે ગામમાં પ્રવેશ કરતા સાથે જમણી બાજુ એક ઓળખીતાનું ઘર આવેલુ છે તે ઘરમાં અનાજના પીપડામાં આ ડાયરી છુપાવી છે. આ ડાયરી અનેક રાઝ ખોલી શકે છે માટે ડાયરીનો કબજો લેવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવા જરૃરી છે.

રિવોલ્વર ઉત્તરપ્રદેશના આગ્રા શહેરના મૌલાના ચોકમાંથી ખરીદી લાવ્યા હતા

ગુનામાં વપરાયેલી રિવોલ્વર ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના મૌલાના ચોકના નાકે આવેલ ગલીમાં રહેતા ઇસમ પાસેથી લાવેલા હોવાનું આરોપી કબુલે છે. આ હથિયાર જો સારી રીતે કામ કરે તો અન્ય હથિયાર ખરીદવાનું પણ આરોપીઓનું આયોજન હતું. રિવોલ્વર આપનાર વ્યક્તિની ઓળખ માટે આરોપીની હાજરીની જરૃર છે. આ રિવોલ્વર આરોપીઓએ વિરમગામ તરફ જતા રસ્તામાં એક ગામડામાં  એક મકાન પાસે ખાડો ખોદી છુપાવી દીધુ હોવાની વાત આરોપી કબુલે છે. તે માટે પણ પોલીસ રિમાન્ડની જરૃર છે.

છોટાઉદેપુર નજીક બોર્ડર ઉપર  રહેતો એક વ્યક્તિ દારૃ આપતો હતો

કાસમઆલા ગેંગ જુગાર તથા દારૃની હેરાફેરીની પણ ગેરકાનુની પ્રવૃતિઓ કરે છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરતા એક દુકાન પાસે ઇંગ્લીશ દારૃની ગાડી કટીંગ કરી આપે છે અને ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર રહેતો એક વ્યક્તિ દારૃ વેચતો હોવાની માહિતી આ ગેંગ પાસેથી મળી છે એટલે દારૃનું કટિંગ થાય છે તે સ્થળની માહિતી મેળવવા અને દારૃ વેચનાર વ્યક્તિની ઓળખ કરવા માટે પણ આરોપીઓના પોલીસ રિમાન્ડ જરૃરી છે.

અનેક ગુનાઓ આચરનાર કાસમઆલા ગેંગને પ્રોત્સાહન આપનાર કોણ ?

કાસમઆલા ગેંગને પડદા પાછળથી કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે. આ ગેંગે વડોદરા શહેરમાં જ ૧૬૪ ગુના આચરેલા છે. આ ઉપરાંત કેટલા ગુના આચરેલા છે અને ગુનાના ભોગ બનનારની માહિતી મેળવવાની છે. ગેરકાયદે પ્રવૃતિથી ભેગા કરેલા નાણાનો ઉપયોગ શું કર્યો, તેના થકી કેટલી મિલકતો વસાવી વગેરે માહિતી મેળવવાની છે. ગેંગ અત્યાર સુધી કોના-કોના સંપર્કમાં હતી તથા ગેંગના સભ્યોના મોબાઇલ ડેટા રેકોર્ડ મેળવવાનો છે વગેરે કારણોથી પોલીસ રિમાન્ડ જરૃરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *