Srinagarતા.૨૮
પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ તેમની મુક્તિ માટે સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. પીઓકેમાં પણ હોબાળો મચી ગયો છે, આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાના ભાઈ મુસ્તફા કમલે કાશ્મીર અને પીઓકેને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરના બંને ભાગ વિવાદિત વિસ્તાર છે. આના પર ભારત કે પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી.
મુસ્તફા કમલે કહ્યું કે આ મુદ્દો હજુ પણ સંયુક્ત રાષ્ટ્રમાં પેન્ડિંગ છે. કાશ્મીરીઓ પ્રત્યે કેન્દ્ર સરકારનું વર્તન સારું નથી. સરકાર હંમેશા કાશ્મીરના લોકોને નફરત કરે છે. કમલે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે જમ્મુ-કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે બંને દેશો સાથે વાતચીત શરૂ કરવી જોઈએ.
મુસ્તફાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઈચ્છે છે કે જમ્મુ-કાશ્મીરના ટુકડા થઈ જાય. નેશનલ કોન્ફરન્સના નેતા મુસ્તફા કમલે પણ ભારતીય જનતા પાર્ટી પર ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ પેદા કરવાનો આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાનની વાત કરીએ તો જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટીએ બુધવારે પોતાનો વિરોધ બંધ કરી દીધો હતો. પક્ષે આ માટે અધિકારીઓ દ્વારા અડધી રાત્રે કરાયેલી કાર્યવાહીને જવાબદાર ઠેરવી છે. પોલીસ કાર્યવાહીમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પહેલા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે દાવો કર્યો હતો કે સુરક્ષા દળો સાથેની અથડામણમાં સેંકડો લોકો માર્યા ગયા છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ટિ્વટર પર એક પોસ્ટમાં કહ્યું કે, સરકારની નિર્દયતા અને રાજધાનીને નિઃશસ્ત્ર લોકો માટે કતલખાનામાં ફેરવવાની સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને, અમે હાલ માટે વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરવાની જાહેરાત કરીએ છીએ. ઈમરાન ખાનના નિર્દેશો પર આગળ પગલાં લેશે.