Jharkhand,તા.15
ચૂંટણી પંચ આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાનું છે. આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) એ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. જેએમએમ નેતા મનોજ પાંડેયએ આરોપ લગાવ્યો છે કે ભાજપ નેતાઓને ગઈકાલે જ ચૂંટણીની જાહેરાતની જાણકારી મળી ગઈ હતી. પાંડેયએ ચૂંટણી પંચને કઠપૂતળી પણ કહ્યું છે.
મનોજ પાંડેયે કહ્યું, ‘અમે ચૂંટણી માટે હંમેશા તૈયાર રહીએ છીએ પરંતુ આજે ચૂંટણીની જાહેરાત થવાની છે અને તેની જાણકારી ભાજપના નેતાઓને કાલે જ થઈ ગઈ હતી. આ ખૂબ ગંભીર વિષય છે. શું ભાજપ નેતાઓના ઈશારા પર ચૂંટણી પંચ કામ કરે છે? હિમંત બિસ્વા સરમા કાલે પોતાના એક નિવેદનમાં બોલી ગયા કે આજે ચૂંટણીની જાહેરાત થવાની છે. કોઈ પંચને આ રીતે કઠપૂતળી બનાવીને રાખવું તે ગંભીર વાત છે.’
ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર ચૂંટણી
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી રાજ્યની તમામ 81 બેઠકો પર થવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025એ પૂરો થવાનો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં થઈ હતી.
ધરપકડ પહેલા સોરેને રાજીનામું આપ્યું હતું
હેમંત સોરેને 4 જુલાઈ 2024એ ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેને ધરપકડ પહેલા સીએમ પદેથી રાજીનામું આપી દીધુ હતું. જોકે, જામીન પર મુક્ત થયા બાદ તેમણે ફરીથી સીએમ પદ ગ્રહણ કરી લીધું. ધરપકડ પહેલા તેઓ 4 વર્ષ 188 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા પરંતુ મની લોન્ડ્રિંગ કેસમાં તેમની આ વર્ષની શરૂઆતમાં ધરપકડ કરી લેવાઈ હતી.
પહેલી વખત 2013માં સીએમ બન્યા હતા હેમંત
હેમંત સોરેને પહેલી વખત 13 જુલાઈ 2013એ સીએમ પદના શપથ લીધા હતા. પોતાના પહેલા કાર્યકાળમાં તે 1 વર્ષ 168 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. હેમંત સોરેને બીજી વખત 29 ડિસેમ્બર 2019એ સીએમ પદના શપથ લીધા હતા.