આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં સૌથી મુશ્કેલ કામ પણ આસાન બની ગયાં છે. જે કરવા માટે સામાન્ય રીતે કલાકો લાગતાં હતાં હવે તે એક જ મીનીટમાં કરી શકાય છે. એ જ રીતે, એક યુવકે નોકરી શોધવામાં એઆઇની બુદ્ધિમત્તાનો ઉપયોગ કર્યો છે.
એઆઇએ આજનાં સમયમાં લોકોનાં જીવનમાં પરિવર્તન લાવવાનો નવો રસ્તો ખોલ્યો છે. નોકરીની શોધમાં પણ આ ટેકનિક અદ્ભુત સાબિત થઈ રહી છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ એક વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેણે એઆઇની મદદથી એક જ રાતમાં સુતાં સુતાં 1000 નોકરીઓ માટે અરજી કરી હતી અને તેને 50 ઇન્ટરવ્યુ માટે ઓફર પણ મળી હતી.
બોટ એઆઇથી અરજીઓ કરી
આ અનોખા સમાચાર રેડીટના ‘ગેટ એમ્પલોઈડ’ ફોરમ પર પ્રકાશમાં આવી છે. અહીં એક યુઝરે જણાવ્યું કે તેણે એક એઆઇ બોટ બનાવ્યો છે, જે તેની જોબ સર્ચને સંપૂર્ણપણે ઓટોમેટ કરે છે.
આ બોટનું કામ માત્ર અરજી કરવાનું ન હતું, પરંતુ તે ઉમેદવારની માહિતી વાંચે છે અને નોકરીના વર્ણન મુજબ સીવી અને કવર લેટર તૈયાર કરે છે. વધુમાં, આ બોટ નોકરીના પ્રશ્નોનાં જવાબો પણ તૈયાર કરી શકે છે અને આપમેળે અરજી કરી શકે છે.
આ એઆઇ બોટ વ્યક્તિ માટે માત્ર એક મહિનામાં 50 ઇન્ટરવ્યુ શેડ્યૂલ કરે છે. યુઝરે લખ્યું કે આ બોટ દરેક જોબ માટે અલગ અને ચોક્કસ સીવી અને કવર લેટર તૈયાર કરે છે, જેથી સ્ક્રીનીંગ સિસ્ટમને સરળતાથી પાસ કરી શકાય. આ રીતે એઆઇ બોટ ઉત્તમ પરિણામો આપે છે.