New Delhi,તા.૧૩
લોકસભામાં બંધારણ પર ચર્ચા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શરૂ કરી હતી. તેમણે કહ્યું કે ’૭૫ વર્ષ પહેલા બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કામ પૂર્ણ કર્યું હતું. બંધારણ સભા દ્વારા તૈયાર કરાયેલું બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ ન હતું પરંતુ તે લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ હતું.રાજનાથ સિંહે કહ્યું કે બંધારણ દ્વારા દેશમાં લોકશાહી સાચા અર્થમાં લાગુ કરવામાં આવી. આપણું બંધારણ સાર્વત્રિક છે, જ્યારે તે રાજ્યની જવાબદારીઓની સૂચિ આપે છે, તે નાગરિકોના અધિકારોનો પણ ઉલ્લેખ કરે છે. આપણું બંધારણ સહકારી લોકશાહી સુનિશ્ચિત કરે છે અને રાષ્ટ્રની એકતા સુનિશ્ચિત કરે છે. ભારતનું બંધારણ પણ દેશનું ગૌરવ સ્થાપિત કરવાનો રોડમેપ છે.
રાજનાથ સિંહે કહ્યું કે કેટલાક લોકો આપણા બંધારણને સંસ્થાનવાદની ભેટ અથવા માત્ર સારી વસ્તુઓનો સંગ્રહ માને છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે બંધારણ એ એક પક્ષની વિશિષ્ટ ભેટ છે. બંધારણના નિર્માણમાં ઘણા લોકોની ભૂમિકાને નકારી કાઢવામાં આવી હતી. પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે ’કોઈ ચોક્કસ પાર્ટીના નેતાઓ પોતાના ખિસ્સામાં બંધારણની કોપી લઈને જાય છે. વાસ્તવમાં આ તેઓ તેમના પૂર્વજો પાસેથી શીખ્યા છે. રાજનાથ સિંહનો આ ટોણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હોવાનું માનવામાં આવે છે.