Ahmedabad, તા.9
આગામી 14મી જાન્યુઆરીના રોજ પતંગ રસિકો ઉત્તરાયણનો તહેવાર ઉજવવા અને વધુને વધુ પેચ કાપવા માટે થનગની રહ્યા છે ત્યારે તેઓ મજબૂત દોરી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. પતંગ રસિકોના શોખને અંકે કરી લેવા ઉત્પાદકો દ્વારા ગેરકાયદેસર રીતે અત્યંત ઘાતક ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરી તૈયાર કરી વેચવામાં આવે છે. જેના કારણે માણસોના આખા ગળા ચિરાઇને મરણ પામે છે અને મોટી માત્રામાં પક્ષીઓ મરણ પામે છે.
ત્યારે હાઇકોર્ટે આજે સરકારને ફટકાર લાવી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે આવી દોરી વેચનારા સામે છૂટાછવાયા પગલા તો લીધા છે પરંતુ ઉત્પાદકો સામે તો કોઇ કાર્યવાહી કરી જ નથી.
ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ આ મેટર બુધવારે ચાલવા ઉપર આવતા કોર્ટે ટકોર કરી હતી કે, તેઓએ ડિસેમ્બરથી જ ઉત્પાદન શરૂ કરીને વેચાણ કરવાનું શરૂ કરી દીધું હશે અને તમે જે એફિડેવીટ રજૂ કરી છે તેમાં ઉત્પાદકો સામે પગલા લેવાયા હોવાનો કોઇ ઉલ્લેખ નથી.
ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ કે હાનીકારક મટીરીયલથી તૈયાર કરાયેલી દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે તો તેનો અમલ કેવી રીતે કરશો તેની માહીતી આપો. રાજ્ય સરકારના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ દરેક જીલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર પ્રતિબંધનો અમલ કરાવવા માટે બંધાયેલા છે તો તેમની એફિડેવીટ લાવો.
બીજુ બાજુ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં આકરા પગલા લેવામાં આવશે અને ઉત્પાદકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેની ખાતરી આપીને સરકારી વકીલે સમય માગતા કોર્ટે વધુ સુનાવણી શુક્રવારના રોજ રાખી છે.
ઉલ્લેખનીય છે કે, બે અરજદારો દ્વારા એડવોકેટ નિમિષ કાપડિયા અને એડવોકેટ ભુનેશ રૂપેરા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજીઓ કરીને ચાઇનીઝ દોરી અને ગ્લાસનો ભૂકો પીવડાવેલી પતંગની દોરીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે માગણી કરી હતી. આ અરજીની સુનાવણી આજરોજ નીકળી હતી.
ત્યારે સરકારી વકીલ દ્વારા ગૃહ વિભાગના અધિકારીએ તૈયાર કરેલી એફિડેવીટ રજૂ કરીને આ બાબતે લેવામાં આવેલા પગલાની માહિતી આપી હતી. પરંતુ એડવોકેટ દ્વારા રજૂઆત કરાઇ હતી કે, આંકડા ગયા વર્ષના છે અને છેલ્લા અઠવાડિયાના જે આંકડા આપ્યા છે તેમાં પણ જે પગલા લેવામાં આવ્યા છે તે માત્ર એકાદ બે ફીરકી પકડીને જ લેવામાં આવ્યા છે.
આથી સરકારી તંત્ર દ્વારા ખાલી બતાડવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું લાગે છે. આથી ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ માંજા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાવવો જોઇએ. ગત વર્ષ 2017માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તો તેનો સત્તાવાળાઓએ સંપૂર્ણ અમલ કરવો જોઇએ.