Ranchi,તા.25
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ ખૂબ જ રસપ્રદ હતું. સવારે મતગણતરી શરૂ થતાં જ ભાજપ અને જેએમએમ વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ હતી. ક્યારેક ભાજપનાં નેતૃત્વમાં ગઠબંધન આગળ હતું તો ક્યારેક વિપક્ષનું ગઠબંધન. જો કે, સવારે 11 વાગ્યાની આસપાસના વલણોમાં જેએમએમએ બહુમતીના મેળવી હતી
81 સભ્યોની ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. હાલમાં, જેએમએમની આગેવાની હેઠળનું ગઠબંધન સત્તામાં પરત ફરતું જણાય છે. આ વખતે બે તબક્કામાં મતદાન થયું હતું. 13 અને 20 નવેમ્બરે મતદારોએ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરી લીધું હતું.
આજે જ્યારે મતગણતરી થઈ ત્યારે પહેલાં એનડીએ આગળ દેખાતું હતું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તમામ આંકડાઓ બદલાઈ ગયાં હતાં. અહીં વિપક્ષી ગઠબંધન સત્તા જાળવી રાખવામાં સફળ જણાય છે.
એક તરફ ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનનું સમગ્ર અભિયાન ‘ઘૂસણખોરો’ પર કેન્દ્રિત હતું, તો બીજી તરફ મુખ્ય મુકાબલો મુખ્યપ્રધાન હેમંત સોરેન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હતો. આ સ્થિતિ મહારાષ્ટ્રની ઝારખંડ ચૂંટણીથી અલગ હતી, જ્યાં ઘણાં સ્થાનિક મજબૂત નેતાઓ તેમની વિશ્વસનીયતા બચાવવા માટે લડી રહ્યાં હતાં.
ઝારખંડમાં ઈન્ડિયા એલાયન્સની જીતનાં મુખ્ય કારણો
1. હેમંત સોરેનના મોટા નિર્ણયો, જેને લોકોએ પસંદ કર્યા :
મુખ્ય પ્રધાન હેમંત સોરેને ઘણાં નિર્ણયો લીધાં હતાં, જેણે તેમનાં મુખ્ય મતદારોને સીધાં જ નિશાન બનાવ્યાં હતાં
2. ભાજપે સ્થાનિકવાદની નીતિ પર ટીકા કરી :
ઝારખંડમાં સ્થાનિકવાદની નીતિ પર ભાજપનાં વલણને કારણે લોકોમાં નારાજગી હતી. આ જ કારણ હતું કે પહેલાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં અને હવે 2024ની વિધાનસભા ચૂંટણીમાં પણ મતદારોએ હેમંત સોરેન પર વિશ્ર્વાસ કર્યો.
3. હેમંત સોરેન સાથે ભાવનાત્મક જોડાણ :
ભ્રષ્ટાચારનાં આરોપમાં જેએમએમના વડા હેમંત સોરેનની જેલની સજા ઝારખંડના મતદારો માટે સારી રહી ન હતી. સ્થાનિક આદિવાસી સમુદાયે તેને ભાવનાત્મક રીતે લીધો અને હેમંતની તરફેણમાં એક થઈને મતદાન કર્યું.
4. મૈયા સન્માન યોજના :
હેમંત સોરેનની સરકાર માટે મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના ક્યાંકને ક્યાંક મહત્વની સાબિત થઈ. આ યોજના હેઠળ, ઝારખંડ સરકાર દ્વારા 19 થી 50 વર્ષની વયની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાની સૌથી વધુ અસર તે ગરીબ મહિલાઓ પર પડી છે, જેઓ તેમની નાની જરૂરિયાતો માટે તેમનાં પરિવારનાં પુરૂષો પર નિર્ભર છે.