જીવો માટે પોતાનો સ્વભાવ છોડવો બહુ કઠિન છે,આથી સંસારના લોકો અનેક પ્રકારના દુરાગ્રહોમાં ફસાઇ જાય છે.જીવ ઇશ્વરને ભૂલી ગયો છે તેથી અશાંત છે.ઇશ્વરના દર્શન થયા પછી પણ સેવા સુમિરણ સત્સંગ છોડશો તો માયા ત્રાસ આપશે.અજ્ઞાનથી જે દેખાતું નથી તે જ્ઞાનથી દેખાય છે.ઇશ્વર આપણી પાસે જ છે પણ વાસના તેમના સ્વરૂપને ઢાંકે છે.સુખમાં-દુઃખમાં અને દેહાવસાને ભગવાનને યાદ કરવાના છે.એકવાર શ્રીકૃષ્ણ બાળગોપો સાથે ગાયો ચારી રહ્યા હતા ત્યારે પ્રલમ્બાસુર નામનો અસુર ગોવાળના વેશમાં આવે છે જેને બળદેવજી મારી નાખે છે.
એકવાર નંદબાબા પૂજા કરીને સૂઇ ગયા ત્યારે તેમને ગળી જવા અજગર આવ્યો.પ્રભુએ પોતાના પગનો સ્પર્શ કર્યો તો અજગર મરી ગયો અને તેમાંથી દેવપુરૂષ બહાર આવ્યો.પૂર્વે તે સુદર્શન નામનો વિદ્યાધર હતો. તે ઘણો સુંદર હતો,તેને રૂપનું અભિમાન હતું તેથી કદરૂપા મનુષ્યને જોઇને હસતો હતો. એકવાર કાળા કુંબડા અંગિરાઋષિને જોઇને હસે છે તેમને શ્રાપ આપ્યો કે મારૂં શરીર કાળું છે પણ મન ઉંજળું છે.તારૂ શરીર ઉંજળું પણ મન કાળું છે માટે જા તૂં અજગર થઇશ.આજે શ્રીકૃષ્ણના સ્પર્શથી તે મુક્ત થાય છે. શરીર સુંદર નથી પણ શરીરમાં રહેલ ચૈતન્ય આત્મા સુંદર છે.કોઇપણ જીવને હલકો ગણે તેની ભગવદભક્તિ સિદ્ધ થતી નથી.જ્યાં નજર જાય ત્યાં ઇશ્વરનું દર્શન થાય તે દીનતા જે પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે.
પ્રેમનો આરંભ દ્રેતથી થાય છે પણ સમાપ્તિ અદ્રેતથી થાય છે.ગોપીઓ પ્રેમ-લક્ષણા ભક્તિની આચાર્યાઓ છે.ઘરમાં રહી ઘર-કામ કરતાં કરતાં કેવી રીતે પ્રભુ-દર્શન કરવું તે ગોપીઓ સમજાવે છે.ગોપીએ કોઇ સ્ત્રી કે પુરૂષ નથી પણ જેના હ્રદયમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ સ્થિર થયું છે,જેનો દેહાધ્યાસ છુટી ગયો છે,દરેક ઇન્દ્રિયથી ભક્તિરસનું પાન કરે છે તેને ગોપી કહે છે.ગોપી નામની કોઇ સ્ત્રી નથી,ગોપીએ શુદ્ધ જીવ છે,હ્રદયનો શુદ્ધ ભાવ છે.જેનું મન મરે તેનામાં ગોપીભાવ જાગે છે.સ્થૂળશરીર મરે છે પણ સુક્ષ્મશરીર નાશ પામતું નથી.સુક્ષ્મશરીર નો નાશ મુક્તિ વખતે થાય છે.સત્તરતત્વના સુક્ષ્મશરીરમાં મન મુખ્ય છે,આ મન મર્યા પછી જ ગોપીભાગ જાગે છે.પતિના વિયોગમાં જેમ પત્નીના પ્રાણ ઝુરે છે તેમ ઇશ્વરના વિયોગમાં જીવના પ્રાણ કેવા ઝુરે છે તે બતાવવાનો રાસલીલાનો હેતુ છે.રાસલીલા અનુકરણીય નહી પણ ચિંતનીય છે.
સંસારના તમામ સાંસારીક સુખોનો મનથી ત્યાગ કરી વ્યાકુળતાથી ઇશ્વરને મળવા નીકળે તેમનું ઇશ્વર સ્વાગત કરે છે.જેને કાળની બીક નથી,પરમાત્માના પ્રેમમાં પાગલ બને છે તે ભાગ્યશાળી છે.ઘરની દરેક વ્યક્તિમાં પરમાત્માની ભાવના કરી સતત ઇશ્વરનું સુમિરણ કરો.મૂર્તિ કે ફોટામાં ભગવાન નથી પણ જ્યાં સુધી ભગવાનના પ્રત્યક્ષ દર્શન ના થાય ત્યાંસુધી મૂર્તિમાં પરમાત્માની ભાવના કરવી પડે.ભગવાન તો સર્વત્ર છે. ગોપીગીતમાં કિર્તનભક્તિ,દર્શનભક્તિ અને આત્મનિવેદન છે.જે સુખ ભોગવે તેને અનિચ્છાએ પણ દુઃખ ભોગવવું પડે છે.
એકવાર ગોપીઓ વસ્ત્રહીન બનીને યમુનામાં સ્નાન કરતી હતી એટલે શ્રીકૃષ્ણે તેમના ચિરહરણ કર્યા અને સમજાવ્યું કે તમે વસ્ત્રહીન થઇને જળમાં સ્નાન કર્યું છે તેથી જલના અધિષ્ઠાતા દેવ વરૂણ અને યમુનાજીનો અપરાધ કર્યો છે.ભગવાનની લીલા દિવ્ય છે.ગોપીઓ શ્રીકૃષ્ણ પ્રત્યે પૂર્ણ આત્મસમર્પણ ઇચ્છતી હતી.શ્રીકૃષ્ણ ગોપીઓના વસ્ત્રોના રૂપમાં તેમના સમસ્ત સંસ્કારોના આવરણ પોતાના હાથમાં લઇ કદંમના વૃક્ષ ઉપર ચડી ગયા હતા.ભગવાન શિખવે છે કે સંસ્કારશૂન્ય થઇને,નિરાવરણ થઇને,માયાનો પડદો હટાવીને મારી પાસે આવો.આ પડદો જ પરમાત્મા અને જીવની વચ્ચે મોટી અડચણ છે જે હટવાથી કલ્યાણ થાય છે.
શ્રીકૃષ્ણને મારવા કંસ ધનુષ્યયજ્ઞમાં નંદબાબાને આમંત્રણ આપવા અક્રૂરને મોકલે છે.જે ક્રૂર છે તે કૃષ્ણને લાવી ના શકે.કાળ નજીક આવે,મૃત્યુની છાયા પડે એટલે સ્વભાવ બદલાય છે.પુણ્યશાળી અતિપુણ્ય કરે છે અને પાપીનો સ્વભાવ અતિક્રોધી બને છે.વિચાર કરવા એ મનુષ્યના હાથની વાત છે પણ તે સફળ થાય કે નહી એ ઇશ્વરાધિન છે.પ્રારબ્ધ અનુકૂળ હોય,પરમાત્માની કૃપા થાય,પવિત્ર વિચારો અને હ્રદય શુદ્ધ બને તેનું જીવન સફળ થાય છે.જીવ ધારે તે થતું નથી પણ ઇશ્વર જે ધારે તે થાય છે.વેદાંત કહે છે કે કોઇપણ વિચાર કર્યા વિના મનને સંકલ્પ વિનાનું બનાવો તો શાંતિ મળે છે.જીવમાત્રને માનની ભૂખ છે.જેને બહુ માન મળે તો તે રાજી થાય છે તેનામાં અહમ્ આવે છે અને પુણ્યનો નાશ થાય છે.માન-અપમાનની જેના ઉપર અસર થાય તે ભક્તિ કરી શકતો નથી.જગત સાથે સબંધ જોડશો તો અંતકાળે ગભરામણ થાય છે.જે ભાવથી જીવ ઇશ્વરનું સ્મરણ કરે છે તે જ ભાવથી ઇશ્વર તેને અપનાવે છે.સંસારમાં સ્વાર્થ અને કપટ સિવાય કશું નથી.
મથુરામાં સુદામામાળીએ પ્રભુને ફુલની માળા પહેરાવી.કંસની દાસી કુબ્જા જે ત્રણ ઠેકાણે વાંકી હતી તે પ્રભુને ચંદન આપે છે તો શ્રીકૃષ્ણે પ્રસન્ન થઇ તેની હડપચી પકડી એવી દબાવી કે તે સીધી થઇ ગઇ.કુબ્જા એટલે બુદ્ધિ.બુદ્ધિ ત્રણ ઠેકાણે વાંકી છેઃકામ-ક્રોધ અને લોભ.તે વિષયો પાછળ વાંકી બને છે પણ તે બુદ્ધિ ઇશ્વર સન્મુખ થાય તો તે સરળ અને સીધી થાય છે.શ્રીકૃષ્ણ કંસની યજ્ઞશાળામાં આવી ત્યાં રાખેલું ધનુષ્ય ઉઠાવી નમાવ્યું તો તેના બે ટુકડા થઇ ગયા.કંસે બીજા દિવસે મોટો અખાડો બનાવ્યો જેમાં ચાણુર મુષ્ટિક જેવા પહેલવાનોને મદિરા પીવડાવી તૈયાર કર્યા જેમને શ્રીકૃષ્ણએ મોતને ઘાટ ઉતાર્યા.કંસ સિંહાસન ઉપર બેઠો છે પણ તેને મૃત્યુના ચિહ્નો દેખાવા લાગ્યા. સંસાર એ અખાડો છે,ચાણુર એ કામ અને મુષ્ટિક એ ક્રોધ છે એ મોટા પહેલવાનો અનાદિકાળથી જીવને મારતા આવ્યા છે.તેમની સામે ગાફેલ રહ્યા સિવાય સાવધાનીથી કુસ્તી કરી તેમનો વિનાશ કરવાનો છે.કંસ ક્રોધમાં આવી ગાળો બોલે છે ત્યારે કૃષ્ણએ તેના વાળ પકડી રંગભૂમિમાં પછાડ્યો અને તેના પ્રાણ નીકળી ગયા.કંસએ અભિમાનનું સ્વરૂપ છે.
ભાગવતમાં કંસ મર્યા પછી કંસ કોણ છે? તે બતાવ્યું છે.અસ્તિ અને પ્રાપ્તિ આ બે રાણીઓનો પતિ તે કંસ છે.અસ્તિ એટલે “છે”.બેંકમાં આટલા રૂપિયા છે અને આ વર્ષે આટલો નફો થાય તે માટે નીતિ-અનીતિથી કેવળ પૈસાની પ્રાપ્તિ કરવાના વિચાર કરે છે તે કંસ છે.કળિયુગનો માણસ અસ્તિ-પ્રાપ્તિનો પતિ થયો છે.તેને ગમે તે રીતે સુખ ભોગવવું છે,બધા લૌકિક સુખમાં ફસાયા છે.સાચું સુખ શું છે તે કોઈને ખબર નથી અને ખોટું સુખ ભોગવવામાં જીવન પુરૂં થઇ જાય છે.બધા જાણે છે કે મરીશ એટલે આ સાથે આવવાનું નથી,છતાં પાપ કર્યે જાય છે અને માને છે કે હું મરવાનો નથી.મજામાં સહુ સાથ આપે છે પણ સજા એકલા જીવને થાય છે. જ્યારથી લોકો માનવા માંડ્યા કે પૈસાથી જ સુખ છે ત્યારથી પાપ વધ્યું છે.પૈસાથી કાંક થોડું સુખ મળતું હશે પણ શાંતિ મળતી નથી.પૈસો શાંતિ આપી શકતો નથી.તમે શરીર-ઇન્દ્રિયોથી જુદા છે,તમારો આનંદ પણ શરીર-ઇન્દ્રિયોથી જુદો છે.તમે શુદ્ધ ચેતન આત્મા છો,શરીરનું,ઇન્દ્રિયોનું સુખ એ તમારૂં સુખ નથી.
જરાસંઘ મથુરા પર ચડાઈ કરે છે અને તેને ઘેરી લે છે.જીવનના ઉત્તરાર્ધમાં પણ પચાસમા વર્ષથી મનુષ્ય ઉપર જરા-સંઘ એટલે વૃદ્ધાવસ્થા ચડી આવીને ઘેરો ઘાલે છે.ઉત્તરાવસ્થામાં જરા-સંઘ એટલે કે વૃદ્ધાવસ્થા સાથે યુદ્ધ શરૂ થાય છે.સાંધા દુખવા માંડે ત્યારે સમજવું કે જરાસંઘ આવ્યો છે.જરાસંઘ આવે એટલે શરીરના દરવાજા તૂટવા લાગે છે,દાંત પડવા લાગે,આંખેથી ઓછું દેખાય,કાનેથી ઓછું સંભળાય,ખાધેલું પચે નહિ આ બધી જરાસંઘની પલટણની અસર છે.શ્રીકૃષ્ણે સત્તર વખત જરાસંઘને હરાવ્યો.અઢારમી વખત તે કાળ-યવનની સાથે આવ્યો.જરાસંઘ એટલે વૃદ્ધાવસ્થા લડવા આવે પણ જો કાળ-યવન એટલે મૃત્યુને સાથે લઈને આવે ત્યારે કોઈ ઉગારો નથી ત્યારે શ્રીકૃષ્ણને પણ મથુરા છોડવું પડ્યું અને દ્વારકા(બ્રહ્મ-વિદ્યા)નો આશરો લેવો પડ્યો.શરીર પર કાળ ચડાઈ કરે,શરીર છોડવું પડે તે પહેલાં બ્રહ્મ-વિદ્યાનો આશરો લેવાથી બ્રહ્મ-વિદ્યામાં કાળ-યવન અને વૃદ્ધાવસ્થા પ્રવેશ કરી શકતા નહિ હોવાથી કાળ-યવન તેને મારી શકે નહિ પણ વૃદ્ધાવસ્થામાં ડોસો સત્તર વખત માંદો પડે છે પણ અઢારમી વાર કાળ આવે એટલે મરે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)