Rajkot,તા.20
ગુજરાતમાં ફરી એક વખત ચુંટણી ‘ફિવર’ સર્જાશે. રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓનો એક મોટો રાઉન્ડ આ માસના અંતથી શરૂ થશે અને રાજયમાં જુનાગઢ મહાપાલિકા ઉપરાંત ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત 17 તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ 539 ગ્રામ્ય પંચાયતોની ચુંટણી માટેની મતદાર યાદીની આવતીકાલે પ્રસિદ્ધિ થશે. રાજયમાં સ્થાનિક ચુંટણીઓમાં ઓબીસી અનામતની જોગવાઈ સાથે પ્રથમ વખત આ ચુંટણીઓ યોજાઈ રહી છે અને ચુંટણીપંચે તેની તૈયારીઓ કરી લીધાના સંકેત છે.
એક વખત સરકાર તરફથી લીલીઝંડી મળે એટલે ચુંટણી પંચ તારીખ જાહેર કરશે.ગુજરાત ચુંટણીપંચના સૂત્રોના જણાવ્યા મુજબ તા.27 સુધીમાં પંચ જયાં જયાં ચુંટણીઓ યોજાવાની છે ત્યાં મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો ઓબીસી સહિતની અનામત બેઠકો વિ.ની જાહેરાત કરી દેશે અને ફેબ્રુઆરીના મધ્યમાં ચુંટણીઓ યોજાશે. રાજય વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં શરૂ થનાર છે અને તે પુર્વે આ ચુંટણીઓ સંપન્ન કરી લેવાનો રાજય સરકારનો વ્યુહ છે.
આ ઉપરાંત શહેરી અને ગ્રામીણ ક્ષેત્રની કુલ 84 ખાલી પડેલી બેઠકો પર પણ ચુંટણીઓ યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ 27% ઓબીસી અનામત અંગેનું નોટીફીકેશન પણ બહાર પડશે પરંતુ હાલ જે રીતે બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરાયુ છે અને તેનો વિરોધ થઈ રહ્યો છે તે વચ્ચે આ ચુંટણીઓમાં બનાસકાંઠાને સામેલ કરાશે કે કેમ તે પ્રશ્ર્ન છે તો ભાજપની જીલ્લા-મહાનગર સંગઠન નવરચના પણ કયાંક અટકી પડી છે તેથી તેઓ હવે પક્ષ કઈ રીતે આગળ વધે છે તેના પર સૌની નજર છે.