Varanasi, તા.21
આગામી ચાર દિવસ પછી એટલે કે 25થી29મી જાન્યુઆરી દરમિયાન આકાશમાં ગ્રહોની પરેડ જોવા મળશે. એટલે કે સૂર્યાસ્ત બાદ આકાશમાં શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહ એક સાથે જોવા મળશે.
દેશભરના અંતરિક્ષ વિજ્ઞાનના સંશોધકો અને વૈજ્ઞાનિકો માટે અભ્યાસની આ સુવર્ણ તક છે. 25મી જાન્યુઆરીએ રાત્રે લાર્જ પ્લેનેટરી એલાઈન્મેન્ટ એટલે કે મોટી ગ્રહપંક્તિ બનશે. તેમાં 6 ગ્રહો એક દિશામાં એક સાથે નજરે પડશે. ખગોળ વિજ્ઞાનમાં આવી ઘટના ઘણી ઓછી બને છે.
જેમાં શુક્ર, ગુરુ, શનિ અને મંગળને નરી આંખે જોઈ શકાય, જયારે યુરેનસ અને નેપચ્યુનને ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. સૂર્યાસ્ત બાદ આ બધા ગ્રહ જોવા મળશે. ત્યારબાદ 29મી જાન્યુઆરીની રાત્રે પણ આકાશમાં એક અદભૂત આકૃતિ ઉભરશે. આકાશ ગંગાના 6 સૌથી મોટા ચમકદાર તારા ‘વિન્ટર હેકસોગન’ (ષટકોણ) બનાવશે. મોટેભાગે ધ્રુવો કે ઠંડા પહાડો પર ચોખા આકાશમાં દેખાવાને કારણે તેને વિન્ટર હેકસોગન નામ આપવામાં આવ્યું છે પણ હવે તે મેદાની ક્ષેત્રોમાં પણ સ્પષ્ટ દેખાનાર છે. અલબત, આકાશ સાફ હોવું જોઈએ. બનારસના યુવા ખગોળ વૈજ્ઞાનિક વેદાંત પાંડેએ જણાવ્યું છે કે 29મી જાન્યુઆરીએ અમાસની રાત્રે અંધારામાં આકાશમાં આ રાત્રે અનેક નિહારિકા (નેબ્યુલા), આકાશ ગંગાઓ અને તારાનો સમૂહ પણ સ્પષ્ટ નજરે પડશે.