Mumbai,તા.26
અદ્ભુત બોલિંગની સાથે સાથે શાનદાર કેપ્ટનશીપથી પર્થમાં ભારતની જીતનો હીરો જસપ્રીત બુમરાહ, ભવિષ્યમાં વિજયની વાર્તા તેના દીકરાને સંભળાવવાની ઈચ્છા રાખે છે. જીત બાદ તેણે આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તે સ્પર્ધાત્મક ક્રિકેટરને બદલે ગૌરવશાળી પિતાના રૂપમાં દેખાયાં હતાં. ઓસ્ટ્રેલિયા સામે 295 રનની જંગી જીત દરમિયાન તેનો પરિવાર પર્થમાં હાજર હતો.
બુમરાહે કહ્યું કે, ’આ એક ખાસ જીત છે. કેપ્ટન તરીકે પ્રથમ જીત છે. હું આનાથી ખૂબ જ ખુશ છું. મારો પુત્ર પણ અહીં છે. હું મારા પુત્ર સાથે ઉજવણી કરીશ અને તેને યાદ રાખીશ. આ ખૂબ જ ખાસ છે. મારો પુત્ર હજુ ઘણો નાનો છે, પણ જ્યારે તે મોટો થશે ત્યારે હું તેને આ જીતની વાર્તા કહીશ.
હું તેને કહીશ કે જ્યારે અમે ભારત માટે આટલી મહત્વપૂર્ણ મેચ જીતી ત્યારે તે દર્શકોમાં સામેલ હતો. તેણે કહ્યું કે, પર્થ ટેસ્ટમાં પ્રથમ દાવમાં સસ્તામાં આઉટ થયો હોવા છતાં, ભારતીય ડ્રેસિંગ રૂમમાં કોઈ તણાવ ન હતો કારણ કે દરેકને પુનરાગમનનો વિશ્વાસ હતો.
તેણે કહ્યું, ’અમે 150 રન બનાવીને આઉટ થયાં ત્યારે પણ ડ્રેસિંગ રૂમમાં કોઈ નિરાશ નહોતું. તે સૌથી મોટી હકારાત્મક બાબત હતી. અમે આ મેચમાંથી આત્મવિશ્વાસ મેળવી શકીએ છીએ, પરંતુ બીજી ટેસ્ટમાં અમારે નવેસરથી શરૂઆત કરવી પડશે.
પ્રેશરવાળી પરિસ્થિતિઓ બુમરાહને આનંદ આપે છે
બુમરાહે કહ્યું કે, એક કેપ્ટન અને બોલર તરીકે તેને મુશ્કેલ પરિસ્થિતિઓમાં દબાણનો સામનો કરવામાં આનંદ આવે છે અને આ ટીમનાં નવાં ખેલાડીઓનું કામ ઘણું સરળ બનાવે છે. તેણે કહ્યું, ’જ્યારે સંજોગો મુશ્કેલ હોય છે, ત્યારે હું વિચારું છું કે હું કેવી રીતે યોગદાન આપી શકું. જ્યારે હું ટીમનું નેતૃત્વ ન કરતો હોઉં ત્યારે પણ આવું થાય છે.
હું મારી જાતને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મુકીને પણ આરામમાં રહું છું. નિયમિત કેપ્ટન રોહિત શર્મા આગામી ટેસ્ટમાં ફરીથી કમાન સંભાળશે. બુમરાહે મજાક કરતાં કહ્યું, ’હું રોહિતને કહીશ કે હું સરળતાથી કેપ્ટનશિપ નહીં છોડું.