Bhavnagar,તા.16
ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની ઉમરાળા તાલુકાના ધામણકા ગામની પ્રા. શાળાનું બિલ્ડિંગ જર્જરીત થતા બે વર્ષ પહેલાં ચાર ઓરડા તોડી પડાયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસી અભ્યાસ કરવો પડતો હતો. જેનાથી કંટાળી વિદ્યાર્થીઓના વાલીઓએ કંટાળીને મંગળવારે (15 ઓક્ટોબર) શાળાનું બેસણું રાખ્યું હતું.
બે વાર ટેન્ડર પ્રક્રિયા થઈ પણ…
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચાર ઓરડા બનાવવા માટે બે-બે વાર પ્રક્રિયા કરવા છતાં કોન્ટ્રાક્ટ મળ્યો નથી. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનાં ધામણકા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8માં કુલ 51 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે. પાંચ શિક્ષકોનું મહેકમ છે અને હાલ ચાર શિક્ષક ફરજ બજાવી રહ્યાં છે. આ શાળાનું બિલ્ડિંગ જર્જરીત બનતા અકસ્માત ન થાય તે માટે બે વર્ષ પહેલાં જ ચાર ઓરડા ઉતારી લેવાયા હતાં. પરંતુ, જે ગતિથી ઓડા તોડી પડાયા તે ગતિથી નવા ઓરડા બન્યા ન હતાં અને ઘણો સમય થઈ ગયો છતાં હજું સુધી કામ શરૂ થયું નથી. જેથી ગ્રામજનોએ પ્રાથમિક શાળાનું બેસણું યોજી વિરોધ નોંધાવ્યો હતો.
કોન્ટ્રાક્ટરના વાંકે ઓરડાની કામગીરી ખોરંભે ચઢી
જો કે, આ મામલે ડીપીઈઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું, કે નવા જ ઓરડા મંજૂર પણ થઈ ગયા છે અને ગાંધીનગરથી બે વાર ટેન્ડરિંગ પ્રક્રિયા પણ કરાઈ છે. પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર કામ હાથમાં નહીં લેતા કામમાં વિલંબ થઈ રહ્યો છે. આમ સરકારી તંત્ર પણ ઓરડા બનાવવા તૈયાર છે અને ગ્રામજનોની પણ માંગણી છે. પરંતુ કોન્ટ્રાક્ટરના વાંકે બે વર્ષથી નવા ઓરડા બનાવવાની કામગીરી ખોરંભે ચઢી હોવાનું જણાયું છે. જોકે એકતરફ ભણે ગુજરાતના નારા લાગી રહ્યાં છે ત્યારે છેવાડાના વિસ્તારમાં પરિસ્થિતિ વિપરિત જણાય છે. ત્યારે તંત્ર દ્વારા જ આ સળગતા પ્રશ્નનો જરૂરી રસ્તો કાઢવો રહ્યો.