Perth,તા.25
વિરાટ કોહલીએ ધીરજ અને આક્રમકતાનાં મિશ્રણ સાથે શાનદાર બેટિંગ કરીને રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં તેની 30 મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ સદી સાથે તેણે વર્ષ 2018 માં આ શહેરમાં રમાયેલી 123 રનની શાનદાર ઇનિંગ્સની યાદો તાજી કરી હતી.
વિરાટે ઇનિંગ્સ પછી કહ્યું કે, ’જ્યારે તમે સારું નથી રમતાં ત્યારે તમારાં મગજમાં ઘણી બધી વાતો ચાલતી હોય છે, તમે ક્રિઝ પર સમય પસાર કરવાનો પ્રયાસ કરતી વખતે કેટલીક ભૂલો કરો છો. હું માત્ર ટીમનાં હિતમાં યોગદાન આપવા માંગતો હતો અને માત્ર સમય પસાર કરવા માટે ક્રિઝ પર ટકી રહેવા માંગતો ન હતો.
તેણે માર્નસ લાબુશેન સામે સ્વીપ શોટ પર ચોગ્ગા સાથે તેની સદી પૂરી કરી હતી. આ સદી પછી કોહલી સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પછી ટેસ્ટ ક્રિકેટમાં 30 સદી પૂરી કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો હતો.
વિરાટે તેની પત્ની અનુષ્કાને ‘ફ્લાઈંગ કિસ’ આપીને સદીની ઉજવણી કરી હતી. વિરાટે કહ્યું, ’અનુષ્કા દરેક સુખ અને દુ:ખમાં મારી સાથે રહી છે. તે બધું જ જાણે છે જે પડદા પાછળ થાય છે. મને દેશ માટે પ્રદર્શન કરવાનો ગર્વ છે. અનુષ્કાની અહીં હાજરી આ ઇનિંગને વધુ ખાસ બનાવે છે.