Mangrol,તા.03
માંગરોળ. કેન્સર અંગે જાગૃતિના સંદેશા સાથે દ્વારકાથી દરીયાઈ યાત્રાએ નીકળેલા ૧૩ કેન્સર વોરીયર્સનું માંગરોળ બંદર ખાતે ઉમળકાભેર સ્વાગત કરી સન્માન કરાયુ હતું.
કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા આ બિમારી અંગે જાગૃતતા લાવવા તેમજ કેન્સર પછી પણ સુંદર રીતે જીવન શક્ય છે. તેવા સંદેશ સાથે કેન્સરનું સમયસર નિદાન, સારવાર અને જાગૃતિ ફેલાવવા તેમજ વ્યસન મુક્તિના પ્રયાસ અંતર્ગત સમુદ્રના ઘુઘવતા પાણીમાં દરરોજ સિંગલ હોળી મારફત આ વોરીયર્સ ૨૫ થી ૩૦ નોટીકલ માઈલનું અંતર કાપે છે. જે દરિયા કિનારે વિરામ લીધો હોય ત્યાં આસપાસના ગામોના લોકો, યુવાનોને કેન્સર અંગે જાગૃતિનો સંદેશો આપતી આ કેન્સર વોરિયર્સની યાત્રા માંગરોળ બંદર ખાતે પહોચતા ખારવા સમાજ દ્રારા તેમના ઉતારાની તથા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે ખારવા સમાજના પટેલ ઘનસુખભાઈ ગોસિયા, પ્રેમજીભાઇ હોદાર, રચનાત્મક સર્જનાત્મક ગૃપના સભ્યો સુરેશભાઈ ગોસિયા, વિનોદભાઈ ગોસિયા, દિનેશભાઈ વંદુર, વિશ્રામભાઇ સહિતના ખારવા સમાજના આગેવાનો તેમજ શહેરના ધાર્મિક અને સામાજીક સંગઠનોના હોદેદારો દ્વારા તેઓનું સન્માન કરાયું હતું. કરાયેલા અનોખા આયોજન અંતર્ગત કેન્સર વોરિયર્સ દ્વારકાથી મધદરિયે કયાકિંગ કરી, ૨૫૦ કિ.મી.નો દરિયો ખેડી અંતે સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરી પોતાની યાત્રા પૂર્ણ કરશે.