Mumbai,તા.20
બોલિવુડ અભિનેતા સૈફઅલી ખાન પર ચાકુથી હુમલો કરી ગંભીર ઘાયલ કરનાર આરોપી 30 વર્ષિય બાંગ્લાદેશી નાગરિકને મુંબઈ પોલીસે ઘણી જહેમત બાદ આખરે મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં સૈફઅલી ખાનના નિવાસથી 35 કિલોમીટર દુર થાણેના કાસરવડાવલી વિસ્તારમાં હિરાનંદાની એસ્ટેટ પાસેથી દબોચી લીધો હતો.તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે હા, મેં જ સૈફ પર હુમલો કર્યો છે. કોઈ ક્રાઈમ થ્રિલર જેવી ફિલ્મ અભિનેતા સાથે બનેલી આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી પણ આખરે આરોપી ઝડપાઈ જતાં પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો છે. પોલીસે એક શ્રમિક કોન્ટ્રાકટર દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધારે આરોપી મોહમ્મદ શરીફૂલ ઈસ્લામ શહજાદને ઝડપી લીધો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ શહજાદને ખબર પડી કે 100 પોલીસ કર્મીની એક ટીમે થાણે પહોંચી છે. અને તેને શોધી રહી છે તો તે જંગલના એક વિસ્તારમાં ઝાડીઓમાં છુપાઈ ગયો હતો. શહેરમાં 7 કલાક સુધી ચાલેલા તલાસી અભિયાન બાદ તેની ધરપકડ કરાઈ હતી.
પોલીસ અધિકારી દિક્ષિત ગેદામે જણાવ્યું હતું કે શહજાદ બાંગ્લાદેશી નાગરિક છે અને કુશ્તીનો ખેલાડી છે. તેની પાસે કોઈ ભારતીય દસ્તાવેજ નથી. તેની પાસેથી મળેલી વસ્તુઓથી ખબર પડે છે કે તે બાંગ્લાદેશી નાગરીક છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપી છેલ્લા ચાર મહિનાથી પોતાનું નામ બદલીને બિજોયદાસ રાખીને રહે છે.
બીજી બાજુ બચાવ પક્ષ (શહેજાદના)વકીલ સંદીપ ડી.શેરખાને જણાવ્યું હતું કે સૈફ અલીખાનની હાજરીના કારણે મામલાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. શેરખાને એવો પણ તર્ક આપ્યો હતો કે તેમનો અસીલ ઘણા વર્ષોથી દેશમા રહે છે અને તેની પાસે (દેશમા રહેવાના) મહત્વના દસ્તાવેજો પણ છે.તેનો પરિવાર પણ ભારતમાં રહે છે. આરોપીને અદાલતે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.
બાથરૂમની બારીમાંથી ફલેટમાં ઘુસ્યો હતો હુમલાખોર
મુંબઈ: સૈફઅલી ખાન પર હુમલામાં આરોપી પકડાયા બાદ અનેક ખુલાસા બહાર આવ્યા છે જે મુજબ આરોપી પગથીયા ચડીને સાતમા-આઠમા માળ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ડફટ ક્ષેત્રમાં પ્રવેશી પાઈપના સહારે 12 માં માળે બાથરૂમની બારીએથી સૈફના ફલેટમાં ઘુસ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઘટનાના દિવસે સવારે 7 વાગ્યા સુધી એજ વિસ્તારમાં હતો અને એક બસ સ્ટોપ પર સુતો હતો.
હુમલાખોર એક સાફ સફાઈની એજન્સી સાથે સંકળાયેલો હતો
મુંબઈ: મુંબઈ પોલીસે જણાવ્યુ હતું કે આરોપી બાંગ્લાદેશનાં ઝાલાકોટીનો છે અને છેલ્લા પાંચ મહિનાથી વધુ સમયથી મુંબઈમાં રહેતો હતો અને નાનુ મોટૂ કામ કરતો હતો. તે સાફ-સફાઈ કામ સાથે જોડાયેલી એક અજન્સીમાં કામ કરતો હતો પોલીસે કહ્યું હતું કે તે ચોરીના ઈરાદાથી બ્રાંદ્રામાં સતગુરૂ શરણ ઈમારતમાં સૈફના ફલેટમાં દાખલ થયો હતો.