Amreli,તા.31
2024ના છેલ્લાં દિવસે લોકો નવા વર્ષના સ્વાગત માટેની ઉજવણી કરતા હોય છે, ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વેપારીઓ અને લોકો દ્વારા બંધનું એલાન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમરેલીના બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારતા ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ સિવાય અન્ય સામાજીક સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ પણ વેરામાં વધારો થતાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આજે બગસરા શહેર સજ્જડ બંધ રાખ્યા બાદ આવતીકાલે વેપારીઓ રેલી કાઢી નાયબ કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી રજૂઆત કરશે.
શું છે સમગ્ર ઘટના?
અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારવામાં આવતા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. બગસરા પાલિકા દ્વારા વલેરામાં 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો સ્થાનિક લોકો, ચેમ્બર ઑફ કોમર્સ તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના પગલે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને લઈને બગસરા શહેરના તમામ વેપારીઓએ રોજગાર-ધંધા સજ્જડ બંધ રાખી પાલિકા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. આ સિવાય વેપારીઓ બુધવારે (1 જાન્યુઆરી)ના દિવસે રેલી કાઢી નાયબ કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી રજૂઆત પણ કરશે.
કયા વેરામાં કરાયો વધારો?
અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા સ્ટ્રીય લાઇટ પર 50 રૂપિયા વેરો કરાયો છે, આ પહેલાં સ્ટ્રીટ લાઇટ વેરો નહતો. ભૂગર્ભ ગટરનો વેરો પણ ન હતો જેને વધારીને 250 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સિવાય પાણી રહેણાંક વેરો પહેલાં 600 રૂપિયા હતો જેને વધારીને હવે 900 રૂપિયા કરવામાં આવ્યો છે. પાણી બિનરહેણાંક વેરો 1300 રૂપિયા હતો, જેને વધારીને 1700 રૂપિયા કરવામાંઆવ્યો છે. સફાઈ રહેણાંક વેરો પહેલાં 15 રૂપિયા હતો, જેને વધારીને 100 રૂપિયા કરી દેવાયો છે. આમ, કુલ રહેણાંકનો 750 રૂપિયા વેરો વધારવામાં આવ્યો છે. તેમજ બિન રહેણાંકનો 850 રૂપિયા વેરો વધારવામાં આવ્યો છે. વેરો વધારવા મુદ્દે અમુક લોકોનું એવું પણ કહેવું છે કે, વેરો વધારો જરૂરી છે પરંતુ, પાલિકા દ્વારા વેરો ઉઘરાવ્યા બાદ પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ઠેરઠેર ભુગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. તેથી લોકો આ વેરા વધારાનો વિરોધ કરી રહ્યા છે.