ગરુડની વાત સાંભળીને યમરાજ અટ્ટહાસ્ય કરતાં બોલ્યા,’ તો તેં એને મોતને ઘાટ પહોંચાડી દીધો ! અરે, મને આશ્ચર્ય એ વાતનું હતું કે આ કબૂતર આજે, અત્યારે અહીં કઈ રીતે હોઈ શકે?
જ્ઞાનીઓએ કહ્યું છે કે, અચાનક મોત કોઈને આવતું નથી. મૃત્યુ એ કોઈ આકસ્મિક ઘટના તો છે જ નહીં. એ ય્ર્િુંર છે… એક જાતનો વિકાસ છે.. પરિવર્તન છે જે જન્મના દિવસથી શરૂ થઈ જાય છે. જન્મતાની સાથે આપણને માના ખોળામાં મૂકે એ પહેલા આપણે મૃત્યુના ખોળામાં મુકાઈ ગયા હોઈએ છીએ. હકીકતમાં જન્મ એ મૃત્યુનો પ્રથમ કિનારો છે અને ‘મૃત્યુ’ એનો અંતિમ કિનારો છે. આ યાત્રા પહેલાંથી જ શરૂ થઈ જાય છે. જેને આપણે પ્રથમ જન્મદિન કહીએ છીએ તે મૃત્યુયાત્રાનો પ્રથમ દિવસ છે. બસ, જરૂર છે એ યાત્રાના સ્મરણની. પ્રતિક્ષણ આપણને મોતનું સ્મરણ રહેશે જે આપણને આત્માના અહિતની પ્રવૃત્તિથી બચાવશે.
જિંદગીમાં મૃત્યુથી અધિક કશું જ નિશ્ચિત નથી. એ એક નગ્નસત્ય છે કે મૃત્યુ સર્વથી અધિક સુનિશ્ચિત છે. જીવન છે તો જીવનમાં પદ, પ્રતિષ્ઠા કે પૈસો મળશે જ એ નિશ્ચિત નથી, પરંતુ મૃત્યુ મળશે તે સંપૂર્ણ નિશ્ચિત છે. જીવન મળ્યું છે તો ભણી-ગણીને જ્ઞાન મેળવી શકાશે એ નિશ્ચિત નથી, પરંતુ જીવન મળ્યું છે તો મૃત્યુ મેળવી જ શકાશે એ નિશ્ચિત છે. જ્યારે મૃત્ય અફર નિશ્ચિત છે તો તેનાથી ભય રાખવાની જરૂર નથી. મૃત્યુ અમૃત છે, મૃત્યુ એ જ મંદિર છે જેમાં જીવનદેહતા બિરાજમાન છે.
ચિંતક ઓશોએ મૃત્યુ વિશે ગહન ચિંતન કર્યું છે. ઓશો કહે છે ઃ ‘મૃત્યુ જીવનનું સર્વથી ઊંચુ શાસ્ત્ર છે, એ શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના મુક્તિ સંભવ નથી.’ દુનિયાનાં તમામ શાસ્ત્રો ભણીએ, તમામ ધર્મના પ્રતિનિધિ ગ્રંથોને વાંચી લઈએ છતાં જીવનનું સત્ય સમજાશે જ એવી કોઈ ગેરંટી નથી. ગીતા, કુરાન, વેદ, બાઈબલ કે ઉપનિષદથી જીવનું સત્ય સમજાઈ જશે જ એવી ગેરંટી નથી. પરંતુ મૃત્યુશાસ્ત્ર ભણવાથી જીવનશાસ્ત્ર આપોઆપ સમજાઈ જશે. મૃત્યુનો સ્વાધ્યાય જ જિંદગીનો ખરો અને અસલી સ્વાધ્યાય છે. મૃત્યુ તમામ ધર્મોનો સ્વીકારાયેલો લઘુત્તમ સાધારણ અવવય છે.
ભગવાન વિષ્ણુ, મહાદેવને મળવા કૈલાસ આવ્યા હતા. વાહન ગરુડ વિષ્ણુને ઉતારીને દરવાજા બહાર ટહેલતું હતું. અચાનક ગરુડની નજર છજા પર બેઠેલા એક કબૂતર પર પડી. ભયથી એ કાંપી રહ્યું હતું. ગુરુડે કબૂતરને ભયનું કારણ પૂછયું. કબૂતર રોવા લાગ્યું અને કહ્યું, ‘ થોડી વાર પહેલાં યમરાજ અંદર ગયા છે. મને જોઈને એમને નવાઈ લાગી. પછી મૂછમાં હસવા લાગ્યા, ગદા હલાવતા એ અંદર ચાલ્યા ગયા. એમનું ભેદભર્યું હાસ્ય ચોક્કસપણે મારા મૃત્યુનો સંકેત છે. મારો અંત નજીકમાં જ છે. મને બચાવો.’
ગરુડે કબૂતરને સાંત્વના આપતાં કહ્યું,’ તું અકારણ ભયભીત થઈ રહ્યો છે. તું તો હજી યુવાન, હૃષ્ટપુષ્ટ છે, એટલે વયને કારણે કે બીમારીથી મરવાની કાઈ શક્યતા નથી. રહ્યો યમરાજનો ભય, તો તું મારી પીઠ પર બેસી જા. પલવારમાં હું તને કરોડો જોજન દૂર લોકાલોક પર્વત પર પહોંચાડી દઉં.’
કબૂતરની જાનમાં ડાન આવી. ગરુડે એને લોકાલોક પર્વત પર એક એવી જગ્યાએ ઉતાર્યો કે જ્યાં એ અજાતશત્રુ બનીને જીવ શકે. ગરુડ પાછો દરવાજે આવીને ઊભો રહ્યો. કામ પતાવીને યમરાજ બહાર આવ્યા. એમને નવાઈ લાગી કે, પેલું કબૂતર છજા પર ન હતું ! યમરાજે ગરુડને પૂછયું,’ અહીં છજા પર એક કબૂતર હતું તે ક્યાં ગયું ?’ ગરુડે હસીને યમરાજને કહ્યું, ‘યમરાજ, એને તો હું હમણાં જ લોકાલોક પર્વત પર મૂકી આવ્યો. એ હવે તમને નહીં મળે.’
ગરુડની વાત સાંભળીને યમરાજ અટ્ટહાસ્ય કરતાં બોલ્યા,’ તો તેં એને મોતને ઘાટ પહોંચાડી દીધો ! અરે, મને આશ્ચર્ય એ વાતનું હતું કે આ કબૂતર આજે, અત્યારે અહીં કઈ રીતે હોઈ શકે ? એનું મોત તો લોકાલોક પર્વત પર નિધાર્યું છે.’
આપણે મૃત્યુથી બચવા બહારની સુરક્ષાની વ્યવસ્થા કરીએ, પાકું મકાન બનાવીએ, દરવાજા-તાળા, ચોકીદાર રાખીએ, અનિષ્ટ તત્ત્વોથી બચવા ઝેડ ગ્રેડ શ્રેણીની સુરક્ષા રાખીએ. માંદગી, બ્રેઇન હેમરેજ, હાર્ટએટેક, કેન્સરના ઉપચાર માટે વિજ્ઞાન અને નિષ્ણાત ડોક્ટરો મદદ કરે પરંતુ મૃત્યુનો કોઈ ઉપચાર નથી. મૃત્યુથી બચવા ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ એ નિશ્ચિત આવશે, માટે સજાગપણે, સભાનપણે મૃત્યુને આવકારીએ. જન્મ અને મૃત્યુ વિશ્વની બે મહાઘટના છે. અજન્મા થવું એટલે મોક્ષમાં જવું. મોક્ષમાં જનારનો પુનઃજન્મ થતો નથી. મૃત્યુને નિવારવાનો ઉપાય એકમાત્ર મોક્ષ છે.