મુન્દ્રામાં એસીના લીધે નહીં ગેસ લીકેજના કારણે થયો હતો બ્લાસ્ટ

Share:

Bhuj,તા.29

કચ્છના મુન્દ્રામાં મંગળવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ધડાકાભેર બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી. જેની પ્રાથમિક તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ બ્લાસ્ટ એ.સી.ના કોમ્પ્રેસરમાં નહી પરંતુ એલ.પી.જી. ગેસ લીકેજ થવાના કારણે બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આગ લાગતાં થોડી જ વારમાં આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે માતા ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારે આજે કવિતા રાવનું આદિપુરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. જોતજોતાં હસતો રમતો પરિવાર વેરવિખેર થઇ ગયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે વહેલી સવારે મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં એલ.પી.જી. ગેસ લીકેજ થવાના કારણે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે ઘરની અંદર વિકરાળ આગ લાગી હતી. એલ.પી.જી. ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં હતા. આ બ્લાસ્ટના લીધે ભભૂકી આગમાં ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં રવિ કુમાર રામેશ્વર રાય (ઉ.વ. 41) અને  જાનવી (ઉ.વ. 2)નું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ટૂંકી સારવાર બાદ આજે અક્વિતા રાવનું આદિપુરની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. 

રવિ કુમાર રાયના મોટાભાઇના પરિવાજનોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે મંગળવારે સવારે કવિતા રાય દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવા ગયા ત્યારે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને દુર્ઘટના સર્જાઇ હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બંધ મકાનનો દરવાજો તૂટીને સામેના મકાનની છત પર પડ્યો હતો. સામેવાળા મકાનના કાચ પણ તૂટી ગયા હતા. આસપાસના સ્થાનિક રહીશો ભયભીત થઇને ઘરની બહાર દોડી આવ્યા હતા. તો બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે અમે એસી રિપેરિંગવાળા બોલાવી તપાસ કરાવી હતી પરંતુ એસીમાં કોઇ ખામી જણાઇ નથી. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *