New Delhi,તા.21
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચની શ્રેણી પહેલાં, ભારતનાં વાઇસ કેપ્ટન અક્ષર પટેલે કહ્યું હતું કે ભારતીય ટી-20 ટીમમાં ફક્ત ઓપનરોનો ક્રમ નક્કી કરવામાં આવ્યો છે. અન્ય તમામ બેટ્સમેનોએ ઓર્ડર અંગે નક્કી કરવામાં આવ્યું નથી. ભારતીય ટીમ આવતીકાલે ઈડન ગાર્ડ્સમાં શ્રેણીની ટી-20 મેચ રમશે.
જ્યારે બેટિંગ ક્રમમાં વારંવાર ફેરફારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે અક્ષરે કહ્યું કે ’આ ફક્ત મારા વિશે નથી પરંતુ ટીમનાં દરેકને લાગું પડે છે. તેમણે કહ્યું કે વર્ષ 2024 ની શરૂઆતથી, અમે નક્કી કર્યું હતું કે ઓપનિંગ જોડી ફિક્સ કરવામાં આવશે .
જ્યારે ત્રીજા નંબરથી સાત નંબર સુધી દરેકને પરિસ્થિતિ, રમત અને પ્લાનિંગ અનુસાર તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોઈ નિશ્ચિત ક્રમ નથી કે જેમાં બેટ્સમેનો રમશે. આ ત્રીજા અને સાતમા નંબર વચ્ચેનાં દરેકને લાગું પડે છે. પ્રેક્ટિસ સેશનમાં આનો નિર્ણય લેવામાં આવશે.
વધુ દબાણ નથી
તેને આગળ કહ્યું કે ટી-20 ક્રિકેટમાં યોગ્ય સમયે યોગ્ય બેટ્સમેનનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. અક્ષરે કહ્યું કે મને અહીં આવ્યાને એક દિવસ જ થયો છે. મેં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે વાત કરી છે.
ટીમ નેતૃત્વ જૂથ પર વધારાની જવાબદારી છે. બહુ બદલાયું નથી. તેમણે કહ્યું કે આપણી પાસે સ્થિર ટી-20 ટીમ છે અને વધારે દબાણ નથી. ટી-20 ઈન્ટરનેશનલમાં 66 મેચ રમી ચૂકેલાં અક્ષરે કહ્યું કે ’જ્યારે તમે લીડરશીપ ગ્રુપનો હિસ્સો બનો છો ત્યારે કઠિન નિર્ણયો લેવા પડે છે અને એકબીજા પર વિશ્વાસ કરવો અને સારી સલાહ લેવી જરૂરી બને છે. આગામી શ્રેણી પહેલાં હકારાત્મક વિચારસરણી સાથે પ્રવેશ કરવો મહત્વપૂર્ણ છે.
સાબિત કરવા માટે કંઈ નથી
અક્ષર અનુભવી રવિન્દ્ર જાડેજાને બદલવાનો દાવેદાર છે. તે ભારતીય ટેસ્ટ ટીમમાં મોટા ફેરફાર દરમિયાન ઊભી થનારી શક્યતાઓથી વાકેફ છે. પરંતુ, તે માને છે કે તેણે તેનાં કેસમાં કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી.
અક્ષર પાસે સમાન કુશળતા હોવા છતાં, તે છેલ્લાં એક દાયકાથી જાડેજાની ગેરહાજરીમાં જ ટીમમાં જગ્યા બનાવી શક્યો છે. અક્ષરે કહ્યું કે ’ચોક્કસપણે, પરિવર્તનનો સમયગાળો આવવાનો છે. પરંતુ આખરે તે પસંદગીકારો અને કેપ્ટનનો નિર્ણય છે. મારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી.
ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ કહ્યું
મેક્કુલમ કહ્યું કે મેં આ પહેલાં ગૌતમ ગંભીર સાથે કામ કર્યું છે. જ્યારે પણ તેણે કોઈ પણ પ્રકારની નેતૃત્વની ભૂમિકા ભજવી, ત્યારે તેણે તેમાં શ્રેષ્ઠતા દર્શાવી. ભારત સાથે તેની ઈનિંગની શરૂઆત જ થઈ છે, પરંતુ મને કોઈ શંકા નથી કે તે પોતાની પાસે રહેલી ટીમમાં શ્રેષ્ઠ પ્રતિભાને બહાર લાવશે.