Ahmedabad,તા.૨૦
ગુજરાતી સિંગર અને ત્યારબાદ બોલીવુડમાં પણ પોતાના અનોખા અવાજ અને ગીતિથી ચાહકોમાં લોકપ્રિય દર્શન રાવલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દર્શન રાવલ કે જે એક સમયે નવ તરુણીઓ વચ્ચે બેચલર બોય તરીકે ફેમસ હતો તે તેની ‘બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર’ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. રોક સ્ટાર દર્શન રાવલે લગ્ન બાદ પોતાના વતન વિજાપુરની મુલાકાત લીધી હતી અને ગરીબ બાળકોને જમાડ્યા હતા અને તેમની સાથે ડાન્સ કર્યો હતો.
દર્શને તેની ‘બેસ્ટ ફ્રેન્ડ’ ધરલ સુરેલીયા સાથે લગ્નના સાત ફેરા લીધા છે. ૧૮ જાન્યુઆરી ૨૦૨૫, એટલે કે ગઈ કાલે દર્શન અને ધરલ એ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નના ફોટો મૂક્યા હતા. લગ્નના સુંદર ફોટો સાથે દર્શને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘માય બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર.’ ફોટો પોસ્ટ કરતા જ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં બંનેને લગ્નની વધામણીના મેસેજ આવવા લાગ્યા હતા. ફોટોમાં જોઈ શકાય છે કે દર્શન અને ધરલ બંને પરંપરાગત પોશાક ચણિયાચોળી અને શેરવાનીમાં ખૂબ સરસ દેખાઈ રહ્યા છે. ધરલ એ લાલ કલરનો લહેંગા સાથે ગોલ્ડન ઘરેણાં પહેર્યા હતા જ્યારે દર્શન એ ઓફ વ્હાઇટ શેરવાની પહેરી હતી.
ધરલ આર્કિટેક્ટ, ડિઝાઇનર અને રંગ શાસ્ત્રી છે. તેણીનો પોતાનો ‘બટર કોન્સેપ્ટ’ નામનો ડિઝાઇન સ્ટુડિયો પણ છે. જેમાં તેઓ ઘરોને એક સુંદર ડેકોરેશનનો સ્પર્શ આપીને ક્લાયન્ટને અનોખો અનુભવ આપે છે. દર્શન અને ધરલની લગ્નની ફોટો જોઈને તેમના ચાહકોમાં ખુશીનો પાર નથી રહ્યો. તેઓએ આ બંનેને પોતાની શુભેચ્છા પાઠવી છે.
દર્શન રાવલ બોલીવુડના સૌથી પોપ્યુલર સિંગર્સમાંથી એક છે, જેણે ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેના કેટલાક ફેમસ ગીતોમાં ‘પ્રેમ રતન ધન પાયો’ નું ‘જબ તુમ ચાહો’, ‘તેરા સુરૂર’ નું ‘મૈં વો ચાંદ’, ‘સનમ તેરી કસમ’ નું ‘ખીચ મેરી ફોટો’, ‘લવયાત્રી’ નું ‘છોગડા’, ‘દિલ વીવર’નો સમાવેશ થાય છે.
૧૮મી ઑક્ટોબર ૧૯૯૪ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે જન્મેલા દર્શન રાવલ ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રિય અવાજોમાંથી એક બની ગયા છે. તેમના આત્માપૂર્ણ અવાજ અને હૃદયસ્પર્શી અભિનયએ તેમને દેશભરના ચાહકોમાં ઘર-ઘરમાં જાણીતું બનાવ્યું છે. સંગીતમાં દર્શનની સફર નાની ઉંમરે શરૂ થઈ હતી અને ત્યારથી તેણે “મહેરામા,” “હવા બંકે,” “તેરા ઝિક્ર,” અને “બારીશ લેતે આના” સહિતના લોકપ્રિય ગીતોનો પ્રભાવશાળી સંગ્રહ એકત્રિત કર્યો છે. તેમના ગીતોએ શ્રોતાઓના દિલો પર કબજો જમાવ્યો છે, અને તેમની ખ્યાતિમાં વધારો નોંધપાત્ર કરતાં ઓછો નથી.