Vadodara,તા.29
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને રોકવા તજજ્ઞોની સમિતિએ મુખ્યમંત્રીને અહેવાલ રજૂ કર્યા બાદ કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા થતાં ભાવ વધારાનું બહાનું કાઢી સિંચાઈની ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે કોર્પોરેશન પણ ટેન્ડર બહાર પાડવાની મુખ્યમંત્રી કાર્યાલયથી સૂચના મળતા તે દિશામાં કામગીરી શરૂ થઇ છે. તેની સાથે-સાથે સરકારી વિભાગોની પરવાનગી આજ સુધી મળી નથી. જેથી વિશ્વામિત્રી પ્રોજેકટમાં હજુ વિલંબ થશે તેમ માનવામાં આવે છે.
વર્ષ 2008માં વિશ્વામિત્રી નદીમાં સફાઈ કરાઈ હતી. નદીના આ વખતે કોર્પોરેશને જે ટેન્ડર બહાર પાડ્યા છે તે મશીનરીનો ભાવ રૂ.2559 છે. સિંચાઈ વિભાગે બહાર પાડેલા ટેન્ડર પ્રમાણે ખોદકામનો ક્યુબીક મીટરનો ભાવ નક્કી થશે જેથી નવી ટેન્ડર પ્રક્રિયા મુજબ રૂ.65 થી 70 કરોડ માટી કામના થશે. તાજેતરમાં વિશ્વામિત્રી પ્રોજેકટ માટે કોર્પોરેશનની ખાસ બેઠકમાં પ્રોજેકટને મંજરી આપવામાં આવી તો બીજીબાજુ સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેકટ અંગે ચાર મુખ્ય કામ ૨જૂ થયા હતા. જેમાં વિશ્વામિત્રી અને વરસાદી કાંસમાં કરવાની કામગીરીના કામ રી-ટેન્ડર કર્યા હતા. જ્યારે વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમના બે કામ મંજૂર કરવામાં આવ્યા હતા. એક બાજુ વહીવટી તંત્ર જૂન મહિનાસુધીમાં વિશ્વામિત્રી ઊંડી કરવાની કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરશે પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ તેમજ સરકારી વિભાગો જેમાં કેન્દ્ર સરકારના વાઇલ્ડ લાઇફ બોર્ડ અને રાજ્ય સરકારના ખાણખનીજ વિભાગમાંથી રોયલ્ટીની માફી પરવાનગી સહિતની અન્ય જરૂરી પરવાનગીઓ હજી સુધી મળી નથી.