રશ્મિકા પોતાની સફર વિશે કહે છે, મારા નિર્ણયો મારા પોતાના છે અને મારી સફર અન્યોથી અલગ છે
Mumbai, તા.૨
રશ્મિકા મંદાનાની એક પછી એક સફળ ફિલ્મ આવી રહી છે, ‘છાવા’માં વિકી કૌશલ સાથે કામ કર્યા પછી હવે સલમાન ખાન સાથે તેની ‘સિકંદર’ રિલીઝ થઈ છે. આર મુર્ગાદોસની આ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થઈ છે. ત્યારે ઇડસ્ટ્રીના પડકારો અંગે એક ઇન્ટરવ્યુમાં રશ્મિકાએ વાત કરી હતી. રશ્મિકા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ નવા નવા પડકારો સાથેના રોલ કરતી રહે છે, તેમજ બોલિવૂડમાં પણ અલગ અલગ પ્રકારના રોલ કરે છે. સાથે તે પોતાની કૅરિઅરમાં યોગ્ય નિર્ણયનું મહત્વ પણ સમજે છે. આ ઇન્ટરવ્યુમાં રશ્મિકાએ કહ્યું,“મને તાજેતરમાં જ એક સુવાક્ય ધ્યાનમાં આવ્યું છે, જેમાં કહેવાયું હતું, “તમારી પસંદગી અને નિર્ણયથી જ તમે એક સ્ટાર અને એક કલાકાર તરીકે અલગ પડી શકો છો.” મેં અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પસંદ કર્યું છે – કન્નડા, તેલુગુ, તમિલ અને હિન્દી – મારે બહુ જલ્દી મલયાલમ ફિલ્મમાં પણ કામ કરવાની ઇચ્છા છે.”રશ્મિકા પોતાની સફર વિશે કહે છે, “મારા નિર્ણયો મારા પોતાના છે અને મારી સફર અન્યોથી અલગ છે, તેથી મારી સામે કોઈ માર્ગદર્શક કે સંદર્ભ નથી. હું કૂર્ગથી આવું છું અને કન્નડા ઇન્ડસ્ટ્રીથી શરૂઆત કરી હતી અને પછી તમિલ અને હિન્દી ફિલ્મમાં કામ કર્યું હતું. હું મારી પસંદગી અને નિર્ણયો અને તેના ભવિષ્યમાં જે પરિણામ મળે તે માટે સંપુર્ણપણે જવાબદાર છું.”ઇન્ડસ્ટ્રીમાં હરિફાઈ અંગે રશ્મિકાએ કહ્યું, “મને હરિફાઈથી કોઈ ફરક પડતો નથી, કારણ કે બધાં પોતાનું કામ કરે છે. હરિફાઈથી જ તમારો વિકાસ થાય છે. તમારે દરરોજ તમારી જાત પર કામ કરવું જોઈએ.”