ગોંડલ રોડ રેલવે ફાટક પાસે અજાણી કારે અકસ્માત સર્જાયો, નાસિક છૂટેલા ચાલકની શોધખોળ: ગરાસીયા પરિવારમાં અરેરાટી
Rajkot,તા.10
શહેરમા વધુ એક ‘હિટ એન્ડ રન’ની ઘટનાથી આશાસ્પદ યુવાનનો ભોગ લીધો છે. જેમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને એક સપ્તાહ પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો રંગ ઉતરે તે પુર્વે ઢેબર રોડ રોકડીયા હનુમાન મંદિર નજીક કાકાના ઘરેથી પરત ફરતી વેળાએ અજાણ્યા કાર ચાલકે બુલેટને ઠોકરે ચડાવ્યું જેમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું .આ બનાવથી ગરાસીયા પરિવારમાં જાણે આ ફાટ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ પાળ ગામના વતની અને હાલ શહેરના શ્રમજીવી સોસાયટીમાં રહેતા સિધ્ધરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૩૦) નામના યુવાન ગઈ કાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં બુલેટ લઈ ને ઢેબર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોકડીયા હનુમાન મંદિર નજીક પહોંચતા પૂર પાટ ઝડપે આવેલી અજાણ્યા કારના ચાલકે બુલેટને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સિધ્ધરાજસિંહ જાડેજાનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં ભકિતનગર પોલસ સ્ટેશનના પીએસઆઈ વી.એલ. રાઠોડ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે મૃત દેને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યો હતો. બનાવ જાણ મૃતક યુવાનના પરિવારજનોને જાણ કરતાં સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સિધ્ધરાજસિંહ જાડેજા બે ભાઈમાં મોટા હતા. ગત રવિવારે જ તેમના લગ્ન હતા અને જાન ભાવનગર ખાતે ગઈ હતી. સિધ્ધરાજસિંહ જાડેજાના કાકા બળદેવસિંહ પંચશીલ સોસાયટીમાં રહેતા હોય ત્યાંથી પોતાના ઘરે શ્રમજીવી સોસાયટીમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.એક સપ્તાહ પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો રંગ ઉતરે તે પુર્વે અકસ્માતમાં કાળનું કોળિયો બનતા પરિવારમાં હરે રાતે મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજના આધારે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.