New Delhi,તા.20
સુપ્રીમ કોર્ટે શુક્રવારે CBIને ન્યાયપાલિકા પર આક્ષેપ લગાવવા બદલ ફટકાર લગાવી છે. જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ પંકજ મિથલની પશ્ચિમ બંગાળમાં 2021ની ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે સબંધિત અરજી પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે આ કેસને બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવાની એજન્સીની અરજીમાં ઉપયોગ કરવામાં આવેલી ભાષા અને ટિપ્પણીઓ પર ગંભીર વાંધો વ્યક્ત કર્યો હતો.
જસ્ટિસ અભય એસ ઓકા અને પકંજ મિથલની બેન્ચે કહ્યું કે, એજન્સી પશ્ચિમ બંગાળમાં સમગ્ર ન્યાયપાલિકા પર આક્ષેપ ન લગાવી શકે. બેન્ચે કહ્યું કે, તમે સમગ્ર ન્યાયપાલિકા પર આક્ષેપ કઈ રીતે લગાવી શકો? તમે એવું દેખાડી રહ્યા છો જેમ કે, આખા પશ્ચિમ બંગાળમાં ‘શત્રુતાપૂર્ણ માહોલ’ છે.
અરજીની ભાષા પર વાંધો વ્યક્ત કર્યો
ખંડપીઠે અરજીના કેટલાક હિસ્સાને ન્યાયપાલિકા સામે ‘નિંદનીય આક્ષેપ’ના ઉદાહરણ તરીકે ટાંક્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે તમામ કેસોમાં કોર્ટમાં પ્રતિકૂળ માહોલનો સામનો કરવો પડી રહ્યો હતો અને નીચલી અદાલતોમાં જજ જામીનના આદેશ આપી રહ્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું કે, મિસ્ટર રાજુ (સીબીઆઈના વકીલ), તમે ન્યાયપાલિકા પર આક્ષેપ લગાવી રહ્યા છો! તમે તમારી અરજીમાં આવા નિવેદનો કેવી રીતે આપી શકો છો? તમે તમામ ન્યાયપાલિકાઓની એવી રીતે બ્રાંડિંગ કરી રહ્યા છો કે, પશ્ચિમ બંગાળમાં તમામ ન્યાયપાલિકાઓમાં શત્રૂતાપૂર્ણ માહોલ છે. તમે કહી રહ્યો છો કે, તમામ ટ્રાયલ જજ એકસાથે જામીનનો આદેશ આપી રહ્યા છે.
CBIએ પોતાની અરજીમાં 45 થી વધુ કેસને પશ્ચિમ બંગાળ રાજ્યની બહાર ટ્રાન્સફર કરવાની માગ કરી છે. CBIએ આરોપ લગાવ્યો છે કે હિંસાને કારણે ઘર છોડીને ભાગી ગયેલા પીડિતોને સત્તાધારી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં નથી આવી રહી અને ઘણા સાક્ષીઓને ગંભીર રીતે ડરાવવા-ધમકાવવમાં આવી રહ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટે CBIને અરજી પર સુનાવણી કરતા પહેલા તેમાં સુધારો કરવા કહ્યું છે.
CBIની દલીલ
જસ્ટિસ ઓકાએ કહ્યું કે, જો અમે કેસોને બંગાળની બહાર ટ્રાન્સફર કરીએ છીએ તો અમે સાબિત કરીશું કે તમામ ન્યાયપાલિકાઓમાં શત્રૂતાપૂર્ણ માહોલ છે. તેમણે કહ્યું કે અરજીની ભાષા આ એફિડેવિટની પુષ્ટિ કરનાર અધિકારી સામે અવમાનનાની નોટિસ જારી કરવાનો યોગ્ય કેસ બનાવે છે.
જોકે, CBI તરફથી હાજર રહેલા એસએવી એસવી રાજુએ સ્પષ્ટ કર્યું કે, એજન્સીનો ન્યાયિક પ્રણાલી પર આક્ષેપો કરવાનો કોઈ ઈરાદો નહોતો. એએસજીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, શત્રૂતાપૂર્ણ માહોલનો આરોપ અદાલતની બહારનો માહોલ અને પીડિતો તથા સાક્ષીઓને આપવામાં આવેલી ધમકીઓને કારણે લગાવવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળ રાજ્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને પણ સીબીઆઈના પક્ષપાત પર સવાલ ઉઠાવ્યા હતા. વકીલે કહ્યું કે, એજન્સીને આ રીતે કોર્ટમાં કેમ આવવું પડે છે? જો કે, એએસજીએ તર્ક આપ્યો કે, ઘણા મામલામાં પીડિતો દ્વારા કેસ ટ્રાન્સફર કરવા અથવા તેઓ ધમકીઓનો સામનો કરી રહ્યા હોવાનો દાવો કરીને અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી.
અદાલતો વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો નિંદનીય: કોર્ટ
ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળની તમમા ન્યાયપાલિકાઓ વિરુદ્ધ નિંદનીય આરોપ લગાવવામાં આવ્યા છે. વારંવાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમામ ન્યાયપાલિકાઓમાં શત્રૂતાપૂર્ણ માહોલ છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, CBI જેવી કેન્દ્રીય એજન્સીઓએ આવી રીતે ન્યાયપાલિકા પર આક્ષેપ લગાવ્યો છે.