Surendranagar,તા.01
મુળીના વગડિયા ગામની સીમમાં કાર્બોસેલના ખનન સમયે ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. ખનન સમયે શ્રમિકનું મોત નિપજ્યાના મેસેજ વાયરલ થતાં ચોટીલા પ્રાંત અધિકારી, મુળી મામલતદાર અને થાન મામલતદાર સહિતની ટીમે સંયુક્ત રીતે વગડીયા ગામની સીમમાં મોડી રાત્રે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન તેમજ ખોદકામ દરમિયાન એક શ્રમિકનું ભેખડ ધસી પડતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળતા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ મામલે મૃતક શ્રમિકના પરિવારના સભ્યોએ હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાવી નથી.
તંત્રની તપાસ દરમિયાન જે કૂવામાંથી ખનન કરવામાં આવ્યું હતું તેની ઉંડાઈ અંદાજે ૧૫૦ ફુટ હોવાનું તેમજ કોઈપણ જાતના સેફટીના સાધનો વગર શ્રમિકોની જીંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી ગેરકાયદેસર લાયસન્સ વગરના વપરાયેલા ડિટોનેટરના ત્રણ ખાલી બોક્ષ મળી આવ્યા હતા અને ગેરકાયદેસર વીજ કનેકશન લઈ કાર્બોસેલનું ખનન કરતા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન જમીન માલીક ચતુરભાઈ મોહનભાઈ કોળી હોવાનું જણાઈ આવતા જમીન મહેસૂલ અધિનિયમ, ખાણ ખનીજ, લેબર એક્ટ, એનવાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, એક્સક્લુઝીવ એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, સેફટી એક્ટ વગેરે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
તંત્રની તપાસ દરમિયાન ભેખડ ધસી પડતા મૃત્યુ પામેલા યુવક વગડિયા ગામના પૂર્વ સરપંચ ભુરાભાઈ પનારાનો પુત્ર ગોપાલભાઈ હોવાનું બહાર આવ્યું હતું. પરિવારજનો દ્વારા મૃતક શ્રમિકના મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
વગડીયા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખનન દરમ્યાન ભેખડ ધસી પડતા પૂર્વ સરપંચના પુત્ર (શ્રમિક)નું મોત નીપજ્યું હતું પરંતુ પરિવારજનોએ મોટી રકમ લઈ કોઈપણ જાતની પોલીસ ફરિયાદ કર્યા વગર મામલો સગેવગે કરી નાંખ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.