New Delhi,તા.09
રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાતા હવે બેન્કોમાં ધિરાણ સસ્તુ થશે. પરંતુ તેની સાથે બેન્કોના થાપણના દર પણ ઘટશે અને તેની અસર આગામી સમયમાં પોષ્ટઓફિસની નાની બચત યોજના સહિતના થાપણોના દર પર પણ થશે. લાંબા સમયથી બેન્કો થાપણો મેળવવા માટે જે સંઘર્ષ કરી રહી હતી
તેમાં થાપણોના દર વધારીને બેન્કોએ થાપણદારોને આકર્ષવા પ્રયત્ન કર્યા હતા પરંતુ અન્ય રોકાણ ખાસ કરીને શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને સોનુ જે વળતર આપતુ હતું તેની સરખામણીમાં બેન્ક થાપણોનું વળતર ઓછું હતું.
તેથી લાંબાગાળાની થાપણો આ માર્કેટમાં ખેંચાઈ હતી. હવે ફરી એક વખત બેન્કોએ થાપણ મેળવવા માટે ચિંતા કરવી પડશે. બીજી તરફ હોમલોન તથા ઓટો સહિતની લોન સસ્તી થશે. તેથી તે એક રાહત મળશે.
રિઝર્વ બેન્કે સ્વીકાર્યું છે કે અમેરિકા દ્વારા જે ટેરીફ વોર ચાલુ કરાઈ છે તેની અસર ભારતની નિકાસ પર થશે અને તેના કારણે દેશની જીડીપીમાં પણ ઘટાડો થશે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે બેન્ક ફુગાવામાં સરળતાની આશા રાખે છે અને તે 4.2 ટકાથી ઘટીને 4 ટકા રહે તેવી રિઝર્વ બેન્કની ધારણા છે.
પરંતુ ટેરીફની અસર પણ થશે. રિઝર્વ બેન્ક તેના પર નજીકની નજર રાખી રહી છે અને જે અનિશ્ચિતતા સર્જાઈ છે તેના કારણે વિકાસદર રોકાણ અને લોકોના ખર્ચ કે જેમાં વ્યાપારી અને ઘરેલુ બંને ખર્ચનો સમાવેશ થાય છે તેના પર પણ અસર થઈ છે.
સૌથી મહત્વનું દેશની નિકાસ પર નકારાત્મક અસર થશે. તેમણે કહ્યું કે અન્ય દેશની સરખામણીમાં આપણા પર લાદવામાં આવેલ ટેરીફ નીચુ છે પરંતુ તેની અસર ચોકકસપણે થશે. ખાસ કરીને ઉત્પાદનમાં નિકાસ ઘટે તેવી ધારણા છે જયારે સર્વિસ સેકટર નિકાસ જાળવી રાખશે.