181 Abhayam મહિલા હેલ્પલાઇન નંબરની મદદથી અનેક મહિલાઓના જીવનમાં ઉગ્યું “નવી આશાનું કિરણ

Share:

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે, પ્રત્યેક બાબતમાં આગવી પહેલ થકી લોકોને સરળતાથી જન કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરી શકાય તે માટે સંવેદનશીલ નિર્ણયો થકી પ્રતિબદ્ધતા સાથે અસરકારક પ્રયાસો કરવામાં આવે છે. મહિલાઓ માટે ચિંતિત સરકાર દ્વારા અનેક મહિલાલક્ષી નિર્ણયો, કાર્યક્રમો, યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ, ૨૦૧૫ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી.
હાલ ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ ગુજરાત રાજ્યમાં કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે. ૧૦ વર્ષનાં સમયગાળામાં ગુજરાત રાજ્યમાંથી ૧૬,૧૬,૮૪૪  થી વધારે કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને “૧૮૧”, નંબરની મદદથી અનેક મહિલાઓના જીવનમાં નવી આશાનું કિરણ ઉગ્યું છે. તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સેલર જઇને ૩,૨૪,૪૦૧ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને સહાયતા કરી હૂંફ આપી છે.
સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં હાલ એક ૧૮૧ રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે. ૧૦ વર્ષની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૩૪,૪૪૧ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડી સહાયતા કરવામાં આવી છે. તેમજ ઘટનાસ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સેલર સહિતની ટીમ દ્વારા ૬૦૪૭ જેટલી મહિલાઓને મદદ પુરી પાડવામાં આવી છે.
વર્ષ ૨૦૨૪માં ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૭૮૧ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સેલર સહિતની ટીમ દ્વારા મદદ પુરી પાડવામાં આવી હતી. જેમાંથી કુશળ કાઉન્સેલિંગ દ્વારા ૫૧૧ જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી. તેમજ ૨૨૦ થી વધુ કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઈ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
અન્ય ઘણા કિસ્સાઓમાં પીડિતા ઘર વિહોણા કે અજાણ્યા મળી આવ્યા હોય તેવા પીડિતાઓને આશ્રયગૃહમાં આશરો પણ પૂરો પાડવામાં આવ્યો છે. ઘણા કિસ્સાઓમાં ભૂલા પડેલા કે વૃદ્ધ અવસ્થાના કારણે ઘરેથી ભૂલા પડેલ હોય તેવા કિસ્સાઓમાં ૧૮૧ ટીમના કુશળ કાઉન્સેલિંગ અને સૂઝબૂઝથી તેઓના પરિવાર સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી પણ સુપેરે પાર પાડવામાં આવી છે.
૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ અંગે માહિતી
કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુની સેવા
જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવી કે, મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગૃહ સહિતના મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ વાતચીત દ્વારા સીધી જ માહિતી મળી શકે.
સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી પણ આપવામાં આવે છે.
કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
મહિલા સાથે થતી હિંસા જેવી કે, શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો
શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
આર્થિક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો

વિશેષ અહેવાલ: ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *