Virat Kohli 12 વર્ષ બાદ રણજી ટ્રોફી રમશે

Share:

New Delhi,તા.21 

વિરાટ કોહલી 12 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તે 30 જાન્યુઆરીથી શરૂ થનારી દિલ્હી વિરુદ્ધ રેલવે મેચમાં રમશે. કોહલીએ રણજી ટ્રોફી માટે પોતાને ઉપલબ્ધ કરાવ્યાં છે, પરંતુ તે 23 જાન્યુઆરીથી શરૂ થનારી સૌરાષ્ટ્ર સામેની મેચમાં નહીં રમે. તેણે ગરદનના દુખાવાનું કારણ આપીને સૌરાષ્ટ્ર સામેની મેચમાં રમવાની ના પાડી હતી. હવે દિલ્હી ટીમનાં મુખ્ય કોચે રેલવે સામેની મેચ પર મોટું નિવેદન જાહેર કર્યું છે.

દિલ્હી ટીમનાં મુખ્ય કોચ સરનદીપ સિંહે કહ્યું કે “વિરાટ કોહલીએ ડીડીસીએ પ્રમુખ રોહન જેટલી અને ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો છે અને જાણ કરી છે કે તે રેલવે સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. કોહલીએ રણજીના ઈતિહાસમાં પોતાની ઓળખ બનાવી છે. રણજીમાં ઉત્તર પ્રદેશ સામે રમાયેલી છેલ્લી મેચમાં તેણે 14 રન બનાવ્યાં હતાં. બીસીસીઆઈએ ખેલાડીઓ માટે કેટલાક કડક નિયમો બનાવ્યાં છે. નિયમો હેઠળ તમામ ખેલાડીઓ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું ફરજિયાત બની ગયું છે.

વિરાટ કોહલી ઉપરાંત અન્ય ઘણાં ખેલાડીઓ પણ રણજી ટ્રોફી 2024-25ના આગામી તબક્કાની મેચોમાં રમતાં જોવા મળશે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ આગામી મેચમાં મુંબઈ તરફથી રમતાં જોવા મળશે, જે જમ્મુ-કાશ્મીર સામે રમાશે. શુભમન ગિલ કર્ણાટક સામેની મેચમાં પંજાબ તરફથી રમતાં જોવા મળશે. ઋષભ પંતે પણ આગામી મેચ દિલ્હી તરફથી રમવા માટે સંમતિ દર્શાવી છે જે સૌરાષ્ટ્ર સામે રમાશે. કેએલ રાહુલ પણ પંજાબ સામેની મેચમાં કર્ણાટક તરફથી રમવાનો હતો, પરંતુ કોણીની ઈજાને કારણે તે વાપસી કરી શકશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *