Vadodara,તા.12
વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલી ઔદ્યોગિક વસાહત નંદેસરીમાંથી કોઈક કંપની દ્વારા ખુલ્લી ગટરમાં કેમિકલયુક્ત છોડાતું પાણી કાળુ થઈને વહે છે. પરિણામે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતું કરે તેવી લોક માંગ છે.
ઉલ્લેખનીય છે કે શહેરના ઉત્તર છેવાડે ઔદ્યોગિક વસાહત નંદેસરી આવેલી છે. જ્યાં અનેક કેમિકલ કંપનીઓ ધમધમે છે. ગામમાં ખુલ્લી ગટરો ઔદ્યોગિક વસાહતમાં થઈને ઔદ્યોગિક કંપનીઓ તરફ જાય છે. આ ખુલ્લી ગટરોમાં કોઈક કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે પરિણામે ગટરનું પાણી એકદમ કાળું થઈને વહે છે. જોકે ખુલ્લી ગટરના કેમિકલવાળા પાણીથી ચામડી સહિત અન્ય રોગો થતા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. જોકે કેમિકલ યુક્ત પાણી છોડવા અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અને ગ્રામજનો દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. આમ છતાં પણ જીપીસીબીના મેળાપીપણામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે. આ અંગે ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ છે.