કોલંબિયામાં ૫૨ વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધનો અંત લાવવામાં ભારતના આધ્યાત્મિક ગુરુના યોગદાનને ફિલ્મમાં દર્શાવાય તેવી શક્યતા
Mumbai, તા.૨૬
નવી પેઢીના દમદાર એક્ટર્સમાં વિક્રાંત મેસ્સીનો સમાવેશ થાય છે. ગોધરા કાંડ અને ત્યારબાદના રમખાણો આધારિત ફિલ્મ ‘સાબરમતી એક્સપ્રેસ’માં પાવરફુલ પરફોર્મન્સ આપ્યા પછી વિક્રાંતે થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી હતી. વિક્રાંત મેસ્સી હવે વધુ એક દમદાર રોલ સાથે કમબેક કરવા સજ્જ છે. રિપોટ્ર્સ મુજબ આગામી થ્રિલર ‘વ્હાઈટ’માં ભારતના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના રોલ માટે વિક્રાંત મેસ્સીની પસંદગી થઈ છે. વિક્રાંત મેસ્સીને ‘૧૨વીં પાસ’ બદલ ભરપૂર પ્રશંસા મળી છે. રિયાલિસ્ટિક રોલ કરવા માટે જાણીતા બનેલા વિક્રાંતે આગામી ફિલ્મમાં શ્રી શ્રી રવિશંકર જેવા લૂક માટે વાળ વધારવાનું શરૂ કરી દીધું છે. રિપોટ્ર્સ મુજબ, વિક્રાંતે વાળ વધારવા ઉપરાંત પોતાનો સમગ્ર લૂક બદલવા મહેનત શરૂ કરી છે. સ્ક્રિન પર શ્રી શ્રી રવિશંકર જેવા દેખાઈ શકાય તે માટે વિક્રાંતે શ્રી શ્રીના અનેક વીડિયો જોયા છે અને તેમની બોડી લેન્ગવેજનો અભ્યાસ કર્યો છે. ફિલ્મની સ્ટોરી અંગે ખાસ વાત થઈ નથી, પરંતુ તેને થ્રિલર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના સૌથી લાંબા ગૃહયુદ્ધનો અંત લાવવામાં શ્રી શ્રી રવિશંકરે ભજવેલી ભૂમિકા અંગે આ ફિલ્મમાં વાત થશે. કોલંબિયામાં ૫૨ વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. ભારતના આધ્યાત્મિક ગુરુએ આ કપરા સમયમાં સમગ્ર વિશ્વને સ્પિરિચ્યુલ ડિપ્લોમસીનો અનુભવ કરાવ્યો અને ગૃહયુદ્ધનો અંત લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. શ્રી શ્રી રવિશંકરના આ યોગદાન વિષે બહુ ઓછી વાત થઈ છે. શ્રી શ્રી રવિશંકરના આ યોગદાનને ફિલ્મ સ્વરૂપે દર્શાવવામાં આવશે. ફિલ્મને ઈંગ્લિશ ઉપરાંત સ્પેનિશમાં પણ રિલીઝ કરવાનું આયોજન છે. ફિલ્મની ક્રૂમાં વિદેશના અનેક સભ્યોનો સમાવેશ કરાયો છે, જેથી ‘વ્હાઈટ’ને ગ્લોબલ ઓડિયન્સ સમક્ષ વધારે અસરકારક રીતે રજૂ કરી શકાય. ફિલ્મના શૂટિંગ તથા રિલીઝ અંગેની સત્તાવાર માહિતી હજુ જાહેર થઈ નથી. ફિલ્મની કાસ્ટ અંગે પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ અધ્યાત્મ, રાજકારણ, હિંસા જેવા વ્યાપક વિષયો સાથે ફિલ્મ બનાવવાના પ્રયાસો અંગે આતુરતા છવાઈ રહી છે.