Uttarakhand,તા.04
ખરો સફારી મામલે EDની પૂછપરછથી ભડકેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરક સિંહ રાવતે મોટું નિવેદન આપ્યું છે. પોતાના જૂના અંદાજમાં તેમણે કહ્યું કે, મારું મોઢું ખોલાવશો તો ઉત્તરાખંડની સાથે આખા દેશના રાજકારણમાં ભૂકંપ આવશે. કોઈનું પણ નામ લીધા વિના તેમણે કહ્યું કે, કેટલાક લોકો જાણી જોઈને મને ટાર્ગેટ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો હું પાખરો રેન્જ મામલે જવાબદાર છું તો તે સમયના મુખ્યમંત્રી પણ એટલા જ જવાબદાર છે.
EDની પૂછપરછ બાદ હરક સિંહ રાવતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, જેમના ઘર કાચના બનેલા હોય તેમણે બીજાના ઘર પર પથ્થર ન ફેંકવા જોઈએ. હું શાંત છું પરંતુ મારું મોઢું ખોલાવશો તો ઉત્તરાખંડની સાથે આખા દેશના રાજકારણમાં ભૂકંપ આવશે.
હું પાક્કો ઠાકુર છું…
પ્રેમથી કહેશો તો ગળું પણ કપાવી દઈશ. પરંતુ ડરાવી ધમકાવીને ગળું કપાવવા પર મરવાનું પસંદ કરીશ પરંતુ ઝૂકવાનું પસંદ નહીં કરું. હું પાક્કો ઠાકુર છું. મેં ભાજપ નહોતું છોડ્યું પરંતુ મને બળજબરીથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જ્યારે હું 2016માં ભાજપમાં સામેલ થયો હતો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે, હવે ભાજપમાં જ રહીશ. પરંતુ ભાજપ હવે જે પ્રકારની રણનીતિ અપનાવી રહી છે તે યોગ્ય નથી.
મની લોન્ડરિંગની તપાસ કરાવો
કોંગ્રેસ અને ભઆજપ સરકારમાં કેબિનેટ મંત્રી રહેતા મેં બધાના કામ કર્યા છે. કોંગ્રેસ સરકારમાં મંત્રી હતો ત્યારે મેં ભાજપ નેતાઓના કામ કરાવ્યા હતા. બીજી તરફ જ્યારે ભાજપ સરકારમાં મંત્રી હતો ત્યારે મેં કોંગ્રેસ નેતાઓના કામ કરાવ્યા હતા. પરંતુ આજે કેટલાક લોકો મને જાણી જોઈને ટાર્ગેટ કરી રહ્યા છે. જો મનીલોન્ડરિંગની તપાસ કરવી છે તો આ તપાસ બધાની થવી જોઈએ. બધાની મની લોન્ડરિંગ તપાસ કરો. પછી હું જણાવીશ કે કોણ શું છે.
EDએ 12 કલાક કરી હતી પૂછપરછ
કોર્બેટ ટાઈગર રિઝર્વની પાખરો રેન્જમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવા અને બાંધકામના મામલે ગત દિવસે EDએ હરક સિંહ રાવતની પોતાની ઓફિસમાં લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરી હતી.