Uttarakhand,તા.13
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાનાં દેહલચૌરી વિસ્તાર પાસે એક બસ બેકાબૂ થતાં 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ ભયાનક અકસ્માતમાં 6 લોકોનાં કરૂણ મોત થયાં હતાં અને 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. પીડિતોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો મૃત્યુઆંક વધી શકે છે.
એક સ્થાનિક અધિકારીએ દુર્ઘટના અંગે માહિતી આપી કે બસ પૌડીથી દેહલચૌરી જઈ રહી હતી, ત્યારે બસે અચાનક કાબૂ ગુમાવ્યો અને 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ દરમિયાન એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
માહિતી મળતાની સાથે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો સીએમ ધામીએ ટ્વિટર પર લખ્યું કે પૌરીમાં કેન્દ્રીય વિદ્યાલય તરફનાં રૂટ પર બસને અકસ્માત નડતાં 6 મુસાફરોના મૃત્યુનાં અત્યંત દુ:ખદ સમાચાર મળ્યાં છે.
ભગવાન મૃતકોની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારનાં સભ્યોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. તેમણે આગળ લખ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.”