સેલ્ફ ડ્રાઇવિંગ કાર વિકસાવતી યુએસ કંપનીઓને ટેસ્ટિંગ હેતુઓ માટે સુરક્ષા અંગેના કેટલાંક ફેડરલ નિયમોમાંથી મુક્તિ અપાશે
New York, તા.૨૬
અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર સેલ્ફ ડ્રાઇવિંગ કાર વિકસિત કરવા માટે ઇલોન મસ્કની ટેસ્લા જેવી કંપનીઓને હાલના નિયમોમાં છૂટછાટ આપશે. અમેરિકાની ઓટો કંપનીઓ ચીની કંપનીઓની સ્પર્ધાનો સામનો કરી શકે તે માટે આ હિલચાલ કરવામાં આવી છે. પરિવહન વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર વિકસાવતી યુએસ કંપનીઓને ટેસ્ટિંગ હેતુઓ માટે સુરક્ષા અંગેના કેટલાંક ફેડરલ નિયમોમાંથી મુક્તિ અપાશે. તે સેલ્ફ ડ્રાઇવિંગ સોફ્ટવેર સંબંધિત ક્રેશ રિપોર્ટિંગ નિયમોને સરળ બનાવશે તથા આ માટે રાષ્ટ્રીય નિયમો બનાવશે. હાલમાં વિવિધ રાજ્યોમાં અલગ અલગ નિયમો છે અને તેની અગાઉ મસ્કે ટીકા કરી હતી. પરિવહન પ્રધાન સીન ડફીએ જણાવ્યું હતું કે આપણે ઇનોવેશનમાં ચીન સાથે સ્પર્ધામાં છીએ અને આનાથી વધુ મોટી બાજી હોઇ શકે નહીં. આ નવું માળખું અમલદારશાહી ઘટાડશે અને એક રાષ્ટ્રીય ધોરણની નજીક લઈ જશે. ટેસ્લા જૂનમાં ટેક્સાસમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર રજૂ કરશે તેવી મસ્કની જાહેરાત પછી સરકારે આ નિર્ણય કર્યો છે.ટેસ્લા ચીનની ઓટો કંપની બીવાયડીની ગળાકાપ સ્પર્ધાનો સામનો કરી રહી છે. નિયમો હળવા બનાવયા પછી જો અમેરિકાની ઓટો કંપનીઓએ રિસર્ચ, ડેમોન્ટ્રેશન અને નોન કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતી સેલ્ફ ડ્રાઇવિંગ કારના સંદર્ભમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું પડશે નહીં.