New Delhi,તા.25
ભારત સહિત દેશો પર ટેરિફ ઝીકવાની ધમકી ઉચ્ચારી રહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ જારી રાખ્યુ હોય ભારત સહિત ઈરાનની 16 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.
અમેરિકી નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ ભારતની ચાર કંપનીઓ પર પ્રતિબંધ મુકાયો છે તેમાં આસ્ટીનશીપ મેનેજેમેન્ટ પ્રા.લી. બીએસએમ મરીન, કાસમોસ લાઈન્સ ઈન્ક તથા કલકસ મેરીટાઈમનો સમાવેશ થાય છે.
ઈરાન દ્વારા ત્રાસવાદીઓને પ્રોત્સાહન-આર્થિક મદદ રોકવા માટે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવાનું જાહેર કર્યુ છે. ઈરાનની તેલ અને પેટ્રોકેમીકલ્સ ક્ષેત્ર સાથે વ્યાપારીક વ્યવહાર- સાંઠગાંઠ ધરાવતી હોવાને કારણે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મુકાયો છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ક્રુડ વેચાણને નિશાન બનાવીને પ્રતિબંધોને આ બીજો ડોઝ આપ્યો છે. ઈરાન પર મહતમ દબાણ સર્જવાની અમેરિકાની રણનીતિ છે.
નિવેદનમાં એમ કહેવાયુ છે કે ઈરાનના ક્રુડ તથા પેટ્રોકેમીકલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોવાથી ઈરાનની 16 કંપનીઓ તથા જહાજો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ શીપીંગ નેટવર્ક એશિયન ગ્રાહકોને ક્રુડતેલ લોડ કરવા તથા તેના પરિવહનમાં પોતાની ભૂમિકા છુપાવવામાં આવી રહી હતી.
યુક્રેન સાથેના યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર બ્રિટને રશિયા સામેનુ સૌથી મોટુ કદમ ઉઠાવ્યુ છે. રશિયાને સૈન્ય-શસ્ત્ર સપ્લાયમાં સામેલ ભારતીય કંપની ઈનસિયા ઈમ્પેકસ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે.
મશીન ઉપકરણો, શસ્ત્રો માટે ઉપયોગમાં લેવાતા માઈક્રોપ્રોસેસર સપ્લાય કરતી ભારત ઉપરાંત તુર્કી, થાઈલેન્ડ તથા ચીનની કંપનીને પણ નિશાન બનાવી છે.