New Delhi/Washington,તા.21
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ શરૂ કર્યા પછી દુનિયાના દેશો પર ટેરિફ બોમ્બ ફોડી ‘આર્થિક પરમાણુ યુદ્ધ’ શરૂ કરી દીધું હતું. જોકે, ટ્રમ્પે ૯૦ દેશો પર ટેરિફનો અમલ ૯૦ દિવસ પાછો ઠેલ્યા પછી પીછેહઠ કરી છે અને દુનિયાના મહત્વના દેશો સાથે વેપાર સોદા માટે વાટાઘાટો શરૂ કરી છે. ટ્રમ્પના ટેરિફનો ભારતમાં અમલ થયો નથી અને હવે ઉપપ્રમુખ જેડી વેન્સ દ્વિપક્ષીય વેપાર સોદાની વાટાઘાટો માટે ભારત આવી રહ્યા છે. બીજીબાજુ ભારતીય અધિકારીઓ અમેરિકા જઈ રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે ચીન પર ૨૪૫ ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કર્યા પછી તેની સાથે વાતચીતની તૈયારી દર્શાવી છે. ચીન સાથે વાટાઘાટો ખૂબ જ સારી રહેશે તેવો પણ ટ્રમ્પે દાવો કર્યો છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની આગામી સપ્તાહથી ભારતની ચાર દિવસની મુલાકાત શરૂ થતાં પૂર્વે ભારત અને અમેરિકા વચ્ચે તેમના આગામી દ્વિપક્ષીય વેપાર કરાર માટેના માળખા પર સંમતી સધાઈ ગઈ હોવાનું અને બન્ને દેશો વચ્ચે આ આર્થિક સહયોગની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવાઈ ગયું હોવાનું જણાવાયું છે. આ વેપાર સોદામાં ગુડઝ, સર્વિસિઝ, રોકાણો અને કસ્ટમ પ્રક્રિયા જેવા ક્ષેત્રોને સ્પર્શતા લગભગ ૧૯ સેક્શન-વિભાગોનો સમાવેશ થવાની ધારણા બતાવાઈ રહી છે.
૨૫થી ૨૯, માર્ચ દરમિયાનની દક્ષિણ અને મધ્ય એશીયા માટે સહાયક યુ.એસ. વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચની ભારતની તાજેતરની મુલાકાતના અનુસંધાનમાં આગામી ચર્ચાઓ આગળ વધારવામાં આવશે અને એ તાજેતરના રાજદ્વારી આદાનપ્રદાનનો સિલસિલો ચાલુ રાખવાની દિશામાં પહેલ હોવાનું જાણવા મળે છે. આ મુલાકાત નવી દિલ્હીમાં અગાઉ યોજાયેલી વરિષ્ઠ સ્તરની ચર્ચાઓ પર પણ આધાર રાખે છે. અધિકારી સ્તરની આ બેઠકને બન્ને દેશો વચ્ચે સંભવિત દ્વિપક્ષીય વેપાર કરાર તરફ વાટાઘાટોમાં વધતી ગતિના સંકેત તરીકે જાણકારો જોઈ રહ્યા છે.
માર્ચમાં વાટાઘાટ શરૂ થઈ હતી, જેમાં બન્ને પક્ષો દ્વારા આ વર્ષના સપ્ટેમ્બરથી ઓકટોબર સુધીમાં કરારના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનો મોટો ઉદ્દેશ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણાથી વધુ વધારીને ૫૦૦ અબજ ડોલર કરવાનો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર હાલ ૧૯૧ અબજ ડોલર છે. આ વેપાર સંધિમાં ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો સમાવેશ થવાની અપેક્ષા છે. અમેરિકા ઈલેક્ટ્રિક વાહનો, ચોક્કસ ઔદ્યોગિક ચીજો-ગુડઝ, વાઈન, ડેરી, પેટ્રોકેમિકલ્સ, સફરજન, ટ્રી નટ્સ જ્યારે બદલામાં ભારત કાપડ, એપેરલ, જેમ્સ એન્ડ જવેલરી, લેધર ગુડઝ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, ઝીંગા-શ્રિમ્પ, તેલીબિયાં અને બાગાયતી ઉત્પાદનો જેવા ક્ષેત્રો પર નજર રાખી રહ્યું છે.
વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અમેરિકા ભારતનું ટોચનું વેપાર ભાગીદાર રહ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતે અમેરિકા સાથે ૪૧.૧૮ અબજ ડોલરની ગુડઝ ટ્રેડ સરપ્લસ નોંધાવી છે, જે પાછલા વર્ષના ૩૫.૩૨ અબજ ડોલર અને વર્ષ ૨૦૨૨-૨૩ના ૨૭.૭ અબજ ડોલર રહી હતી. જો કે વધતાં અસંતુલનથી વોશંગ્ટનમાં ચિંતા વધી છે, જેના કારણે ટ્રમ્પ સરકારે ભારતીય નિકાસો એટલે કે અમેરિકામાં થતી આયાત પર બે એપ્રિલથી નવા ટેરિફ જાહેર કર્યા હતા. પરંતુ ત્યાર બાદ આ નવા ટેરિફનો અમલ વાટાઘાટનો અવકાશ રાખવા માટે ૯, એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે.
દરમિયાનમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં જણાવ્યું હતું કે, અમે ચીન સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. ચીને અનેક વખત અમારો સંપર્ક કર્યો છે. મને લાગે છે કે ચીન સાથે અમે ખૂબ જ સારો સોદો કરવા જઈ રહ્યા છીએ. જોકે, ટ્રમ્પે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે સીધી વાતચીત અંગેના સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ વેપાર સોદા માટે ભારત આવી રહ્યા છે ત્યારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાટઘાટને આગળ વધારવા માટે આગામી સપ્તાહમાં એક વરિષ્ઠ ભારતીય પ્રતિનિધિમંડળ સોદાને અંતિમરૂપ આપવા માટે વોશિંગ્ટન જશે. અધિક સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ બુધવાર ૨૩, એપ્રિલથી ત્રણ દિવસની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચશે, જ્યાં બંને દેશ વચ્ચે પહેલી વ્યક્તિગત ચર્ચા હાથ ધરાશે. રાજેશ અગ્રવાલની ગઈકાલે જ આગામી વાણિજ્ય સચિવ તરીકે નિમણૂંક થઈ હતી. તેઓ ૧, ઓકટોબરથી તેમની નવી ભૂમિકા સંભાળશે.